કોરોના ની સ્થિતિ માં એવી એવી વાતો સામે આવી રહી છે કે આપણું દિલ દ્રવી ઉઠે અને ખુબજ દુઃખ થઈ આવે કે સમય કેટલો બદલાઈ ગયો છે. આવાજ એક અત્યન્ત કરુણ બનાવ માં એક વૃદ્ધ પિતા ને છાતી માં દુખાવો થાય છે 108 આવતા વાર લાગે છે અને માંડ કરીને પુત્ર અમદાવાદ સિવિલમાં પહોંચે છે પણ સિવિલ ના દરવાજે જ પિતા દમ તોડે છે ત્યારે પોતાની નજર સામેજ પિતાને દુનિયા છોડતા જોઈ ભાંગી પડતા પુત્ર એ લગભગ એક કલાક સુધી હોસ્પિટલ ના સ્ટાફને હાથ-પગ જોડ્યા તેમ છતાં શબવાહિની આપવામાં આવી નહોતી. પુત્ર એ રસ્તે જઇ રહેલી રિક્ષાઓ રોકવા ની કોશિશ કરી પણ કોઈ આવવા તૈયાર ન થયું ત્યારે દીકરાએ છેવટે પિતાના મૃતદેહને માલસામાન ભરવાના ટેમ્પોમાં ઘરે લઈ જવો પડ્યો હતો.
અમદાવાદ ના ચમનપુરા વિસ્તારમાં રહેતા 64 વર્ષીય નરેન્દ્રસિંહ ચૌહાણને સોમવારે સવારે હૃદયમાં દુખાવા સાથે ડાબો હાથ કામ કરતો બંધ થયો હતો જેથી તેમના દીકરાએ સવારે 10 કલાકે 108માં ફોન કરી એમ્બુલન્સ નોંધાવી. જોકે એમ્બુલન્સ 11 વાગ્યા સુધી આવી નહોતી. તબિયત વધારે લથડતા દીકરો પિતાને રિક્ષામાં લઇ સિવિલ પહોંચ્યો હતો, પણ અફસોસ કે પિતાએ સિવિલના દરવાજા પાસે જ છેલ્લા શ્વાસ લીધા હતા.
દરમ્યાન સિવિલના ડૉક્ટરે દર્દીને તપાસી સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના દીકરા વિવેક ચૌહાણે કહ્યું કે, સિવિલથી મારું ઘર નજીક હોવા છતાં 108ની મદદ મળી શકી નહોતી. 108એ પહેલેથી કહ્યું હોત કે, તેઓ સમયસર નહીં પહોંચી શકે તો રાહ જોયા વગર અમારી રીતે સિવિલ પહોંચ્યા હોત. સિવિલના દરવાજે જ પોતાના પિતાના શ્વાસ બંધ થયા હતા અને શરીર ઠંડું પડી ગયું હતું.
પિતાના મૃતદેહને ઘરે લઈ જવા હોસ્પિટલ પાસે શબવાહિની માટે હાથપગ જોડ્યા હતા. એક કલાક સુધી કોઈએ વાત સાંભળી નહોતી. રિક્ષાવાળાઓએ પણ મૃતદેહ લઈ જવા ઇનકાર કરી દીધો હતો. છેવટે પિતાના મૃતદેહને ઘરે લઈ જવા ટેમ્પો મગાવ્યો હતો અને ઘરે પહોંચ્યા હતા.
મૃતક ના પુત્ર એ જણાવ્યુ કે તેને હંમેશાથી લાગતું હતું કે, સિવિલ હોસ્પિટલ ઘરની એટલી નજીક છે કે, અડધી રાત્રે પણ કોઈ ઈમરજન્સી સર્જાશે ત્યારે સારવાર મળી શકશે. અને એટલે જ આ ઘર છોડીને બહાર રહેવા નહોતો ગયો, પરંતુ તે ગણતરી ખોટી પડી ગઈ અને પોતાની આંખો સામે પિતાએ સિવિલના દરવાજા પાસે છેલ્લા શ્વાસ લીધા હતા અને પોતે કંઈ ન કરી શક્યો તેનો ખુબજ અફસોસ થઈ રહ્યો છે. આમ હાલ ની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે કોઈ કોઈ ને મદદ કરી શકે તેવી સ્થિતિ માં નથી રહ્યા આ બનાવે અહીં ભારે કરુણા જન્માવી હતી.
