વડોદરા પંથક માં રૂપિયા 21.80 લાખની ઠગાઇના પ્રકરણ માં છેલ્લા એક મહિનાથી ભાગતા ફરતા વારસિયા બગલામુખી મંદિરનો ગુરુ પ્રશાંત ઉપાધ્યાય રવિવારે મધરાતે અઢી વાગે વાપી અને ચીખલી વચ્ચે આવેલી હાઇવે હોટલ નજીક થી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. બાતમીના આધારે તેનો પીછો કરીને પહોંચેલી વારસિયા પોલીસની ટીમે તેને ઝડપી લીધો હતો.
ઠગાઇની અરજી પોલીસમાં ફરિયાદ નોંધાયાની ગંધ આવી જતાં એક મહિના પહેલાં પ્રશાંત ઉપાધ્યાય ફરાર થઇ ગયો હતો. તેને શોધવા પોલીસની ચાર ટીમો કામે લાગી હતી. વારસિયા પોલીસના પીઆઇ એસ.એસ.આનંદને રવિવારે સાંજે બાતમી મળી હતી કે પ્રશાંત બાય રોડ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી રહ્યો છે, જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો અને વાપી અને ચીખલી વચ્ચે માલવાળા ગામ પાસે હાઇવે પર આવેલી રીચા રેસ્ટ્રો એન્ડ ડિલાઇટ ફૂડના પાર્કિંગમાં ભાડા ની એક્સ યુવી કાર પાર્ક કર્યા બાદ કારમાંથી નીચે ઉતરીને ઉભો હતો ત્યારે રવિવારે રાત્રે અઢી વાગે વારસિયા પોલીસે તેને ઝડપી લીધો હતો.
પ્રશાંત પોલીસથી બચવા માટે સતત લોકેશન બદલી રહ્યો હતો. પોલીસના હાથે જ્યારે તે પકડાયો ત્યારે સ્પોર્ટી લુકમાં હતો. તેણે ખાખી કોટન પેન્ટ અને નેવી બ્લ્યુ કલરનું ટી શર્ટ પહેર્યું હતું. પગમાં નાઇકીના શૂઝ પહેરેલા હતા. તેના જમણા હાથમાં ચાંદીનું કડું અને આંગળી પર ચન્દ્રની વીંટી સહિત બે વીંટી પહેરેલી હતી. લોકોને પોતાના પગમાં ઝુકાવતો પ્રશાંત પોલીસ સ્ટેશનમાં નત મસ્તકે જોવા મળ્યો હતો
પોલીસ પોતાનું લોકેશન ના જાણી શકે તે માટે પ્રશાંતે પોતાના ખુદના 5 મોબાઇલ નંબરોથી તેના અનુયાયીઓ સાથે વાત કર્યા બાદ લોકેશન બદલતો રહેતો હતો.
પ્રશાતં ને પોલીસે પકડ્યો ત્યારે તેની સાથે તેની ખાસ ગણાતી યુવતી પણ હતી. તેના ઉત્સવોમાં કામાખ્યા માતાજી બનતી આ યુવતીને પ્રશાંતની સાથે જોઇ પોલીસ ચોંકી ઉઠી હતી. પ્રશાંતે યુવતીની ઓળખાણ પોતાની પુત્રી તરીકે આપી હતી. તેની સાથે ડ્રાઇવર ઉપરાંત અન્ય એક શખ્સ પણ હતો.
બગલામુખી મંદિરનો પ્રશાંત ઉપાધ્યાય ફરાર થયા બાદ પોલીસની ચાર ટીમોએ આણંદ, ખેડા, વડોદરા, નવસારી ઉપરાંત મુંબઇ અને પુણે સહિતનાં શહેરોમાં વસતા પ્રશાંતના અનુયાયીઓને ત્યાં તપાસ કરી હતી. પ્રશાંત મુંબઇ અને પુણે ગયો હોવાનું તપાસમાં જણાઇ આવ્યું હતું પણ પોલીસ પહોંચે તે પહેલાં જ પ્રશાંત ત્યાંથી નિકળી જતો હતો આમ હવે પ્રશાંત પકડાતા પોલીસે આગળ ની તપાસ શરૂ કરી છે.
