કોરોના આવ્યા બાદ પોલીસ ખાતા માં લાંચ અને તોડ ના કિસ્સાઓ વધ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે વધુ એક SRP નો જવાન કેદીઓ ને માવા-મસાલા-તમાકુ પહોંચાડતા જતા પકડાઈ ગયો છે, અમદાવાદ શહેરની સાબરમતી મધ્યસ્થ જેલમાં મોબાઇલ ફોન અને અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓ કેદીઓ સુધી જેલમાં ફરજ બજાવતા પોલીસ જવાનો જ પહોંચાડતા હોવાનું બહાર આવ્યું છે.
વિગતો મુજબ સાબરમતી જેલમાં જેલ વિભાગ 11માં ઝડતી રૂમમાં જેલર અને અન્ય કોન્સ્ટેબલ ફરજ પર હાજર હતા તે દરમ્યાન જેલમાં કોટડી નંબર 200માં ફરજ બજાવતા ગોધરા SRP ગ્રુપના કોન્સ્ટેબલ તેજપાલસિંહ સોલંકી પણ નિયમ મુજબ ઝડતી રૂમમાં આવ્યા હતા. જ્યાં તેમની ઝડતી કરવામાં આવતા પીઠની પાછળ સેલોટેપથી એક નવો એન્ડ્રોઇડ ફોન અને ખિસ્સામાંથી 11 બુધાલાલની પડીકી મળી આવી હતી. જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં આ મામલે તેજપાલસિંહ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મોબાઇલ ફોન કોને આપવાના હતા તે અંગે તપાસ શરૂ કરી છે. આમ કેદી મોબાઈલ ફોન વાપરે અને બુધાલાલ તમાકુ અને ચુનો હોઠ નીચે ભરાવે તે પહેલાં જ પકડાઈ જતા માલ મંગાવનારા કેદીઓ માં પણ નિરાશા ફેંલાઇ ગઈ હતી આ બનાવે ભારે ચકચાર જગાવી હતી.
