અમદાવાદના નારણપુરા શાસ્ત્રીનગર ખાતે પલ્લવ ચાર રસ્તા પાસે અતિ ઝડપે જઈ રહેલી બીઆરટીએસ બસે એકટીવા અને હોન્ડા સિટી કારને અડફેટે લેતા એક યુવકનું મોત થયું હતું જ્યારે કારમાં જઈ રહ્યા એક જ પરિવારના ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવની વિગત મુજબ 6 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે જય મંગલ તરફ જઇ રહેલી બીઆરટીએસ બસે રસ્તો ક્રોસ કરી રહેલા એક્ટિવા ચાલક તથા હોન્ડા સિટી કારને અડફેટે લીધા હતા.
એક્ટિવા ચાલક શંભુ સિંહ જગતસિંહ પવારનું મોત થયું હતું જ્યારે હોન્ડા સીટી કારમાં જઈ રહેલા નિલેશ ભાઈ દરજી, તેમના પત્ની રીટાબેન, 13 વર્ષની પુત્રી ટીના અને આઠ વર્ષનો પુત્ર ઇશાંત ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. બીજી તરફ પોલીસે ડ્રાઈવરની અટક કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ડ્રાઈવર નશામાં હતો કે કેમ તેની પણ તપાસ ચાલુ છે. ટ્રાફિકના બી ડિવિઝન પોલીસ અધિકારીઓ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.