સમગ્ર વિશ્વ માં પ્રદુષણ એક વિકટ સમસ્યા બની ગઈ છે ત્યારે હવે આધુનિક ટેકનોલોજીના માધ્યમ થી પ્રદૂષણ રોકી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ માં જોવા મળ્યું.
અમદાવાદમાં વટવા જીઆઇડીસી માં રૂ.70 કરોડના ખર્ચે નવનિર્મિત 30 MLD વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું મુખ્યમંત્રી રૂપાણીએ વીડિયો કોન્ફરન્સિંગથી લોકાર્પણ કર્યું હતું. ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસિસ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા અદ્યતન ટેકનોલોજીના વિનિયોગથી ફેન્ટમ કેટાલીક રિએકટર ટેકનોલોજી સજ્જ આ પ્લાન્ટનો લાભ વટવા GIDCના 700 જેટલા ઉદ્યોગોને મળશે.
આ પ્રોજેક્ટથી વટવા ઔદ્યોગિક વિસ્તાર વેસ્ટ વોટર નો 100 ટકા નિકાલ કરી નોર્મ્સનું પાલન કરી શકશે.
મુખ્યમંત્રીએ આ ગ્રીન એન્વાયરમેન્ટ કો-ઓપરેટીવ સોસાયટીને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું કે અમદાવાદના વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉદ્યોગગૃહોએ સાથે મળીને સહકારીતાના આધાર ઉપર દુષિત પાણીને શુદ્ધ કરવાના અત્યાધુનિક પ્રોજેક્ટની સ્થાપના કરી છે તે સરાહનીય છે.
તેમણે ઉમેર્યું હતું કે,ગુજરાતમાં આપણે સમય સાથે કદમ મિલાવતા વોટર મેનેજમેન્ટ, ઘરગથ્થું ગંદા પાણીના શુદ્ધિકરણ અને રીયુઝ ઓફ ટ્રીટેડ વોટર, સોલાર પોલિસી, ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી જેવા અભિગમ અપનાવી કલાઇમેટ ચેન્જ – ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ રક્ષા અને વાતાવરણ શુદ્ધિનો દેશને માર્ગ બતાવ્યો છે. ઔદ્યોગિક એકમોના ગંદા પાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટે રાજ્યમાં CETPને વેગ આપીને 750 થી વધુ એમ.એલ.ડી પાણી શુધ્ધિકરણ ક્ષમતા ના 35 પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને 19 જેટલા નવા પ્લાન્ટનું આયોજન છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં જેતપૂર, અમદાવાદ, સુરત, વડોદરા વિસ્તારોના ઉદ્યોગોના ઔદ્યોગિક ગંદા પાણીને શુદ્ધિકરણ કરીને પર્યાવરણિય રીતે દરિયામાં ઉંડે નિકાલ કરવા ખર્ચે ડીપ-સી પાઇપલાઇન પ્રોજેકટસ રાજ્યમાં આકાર લઇ રહ્યો છે.આના પરિણામે નદીઓ શુધ્ધ થશે. ગુજરાત હંમેશા પર્યાવરણ સંરક્ષણની સાથે સાથે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે સંતુલિત વિકાસ સાતત્ય પૂર્ણ વિકાસ ની બાબતમાં અગ્રેસર રહ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.પર્યાવરણ રક્ષાથી આપણે સૌ સાથે મળી ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત નો સંકલ્પ પાર પાડી શકીશું.
ધી ગ્રીન એન્વાયરમેન્ટ સર્વિસીસ કો- ઓપરેટીવ સોસાયટી લિમીટેડ કે જે સને 1997 થી વટવામાં રહેલા તેના 674 મેમ્બર્સ કે જેમાંથી 95 ટકા MSME ઉદ્યોગો છે , તેમાંથી નીકળતા એફલ્યુએન્ટનું ટ્રીટમેન્ટ CETP દ્વારા કરે છે.ઉપરાંત ગ્રીન દ્વારા MEE,Spray Dryer,Common Spent Acid Facility,ઓટો સેમ્પલર,સ્કાડા વગેરે લગાવીને ભારતનું મોડેલ ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટેનું ક્લસ્ટર બનેલ છે.
ધી ગ્રીન એન્વાયરમેન્ટ સર્વિસીસ કો-ઓપરેટીવ સોસાયટી લિમીટેડના ચેરમેન રમેશભાઈ પટેલ દ્વારા જણાવાયું કે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થવાથી વટવા CETP દ્વારા એફલ્યુએન્ટ ડિસ્ચાર્જના તમામ નોર્મ્સનું પાલન થશે અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નવી ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવા માટેના તથા જુની ઇન્ડસ્ટ્રીઝના એકસ્પાન્શનનો માર્ગ મોકળો થશે. આ ટેકનોલોજી લગાડવા રૂ 70 કરોડ નો ખર્ચ થયો છે. જેમાં સરકારશ્રી દ્વારા 20 કરોડની ગ્રાન્ટ આપવામાં આવેલ છે.વટવાના ઉદ્યોગોએ રૂ 50 કરોડનો ફાળો આપેલ છે. આમ હવે પ્રદુષણ ઘટશે.
આ તકે મુખ્યમંત્રી સહિત ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા ,પર્યાવરણ મંત્રી જયદ્રથ સિંહ પરમાર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.