ગુજરાત સહિત શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં આવેલ મણિનગરમાં એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 3 વર્ષની બાળકીનું ડેન્ગ્યુના કારણે મોત થતા ભારે અરેરાટી મચી જવા પામી છે. આ બનાવ બાદ શહેરમાં મૃત્યુઆંક 10 થયો છે.
અમદાવાદ મનપાના અધિકારીએ જણાવ્યું હતું કે, દરરોજના સરેરાશ 28 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં રોજના સરેરાશ 11 કેસ હતા. ગયા વર્ષે આખા મહિનામાં 223 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા જ્યારે આ વર્ષે નવેમ્બરના પહેલા જ 23 દિવસમાં 651 કેસ સામે આવ્યા છે. આ મહિનો પૂરો થવામાં હજુ પણ થોડા દિવસ બાકી છે. માત્ર ડેન્ગ્યુ જ નહીં પરંતુ મેલેરિયાના કેસ પણ વધ્યા છે. શહેરમાં ગયા વર્ષે નવેમ્બર મહિનામાં મેલેરિયાના 167 કેસ નોંધાયા હતા જ્યારે આ વર્ષે મહિનાના પહેલા 23 દિવસમાં 188 કેસ નોંધાયા છે.