કોરોના મહામારીમાં 24 કલાક ખડેપગે ફરજ બજાવતી શહેર પોલીસ માટે રાહતના સમાચાર છે. કોરોના વાયરસના ચેપનો 21 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ ભોગ બન્યાની ઘટના બાદ પોલીસ કમિશનર ઓફિસના વિવિધ વિભાગ અને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આઈપીએસ ઓફિસર, પોલીસ અધિકારીઓ સહિત 574 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
શહેરના કાલુપુર, ખાડિયા,ગાયકવાડ હવેલી, કાગડાપીઠ,રાણીપ,દરિયાપુર પોલીસ સ્ટેશન અને ટ્રાફિક વિભાગના ફરજ બજાવતા 21જેટલા પોલીસ અધિકારીઓ,કર્મચારીઓના કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવતા ગભરાટ ફેલાયો હતો. પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સતત પોલીસ કમિશનર ઓફીસ કામ અર્થે આવતા જતા રહે છે. જેના પગલે પોલીસ કમિશનર ઑફિસના સીસીટીવી કંટ્રોલ, ટ્રાફિક વિભાગ, કમ્પ્યુટર બ્રાન્ચ અને ડીસીપી કંટ્રોલમાં ફરજ બજાવતા ડીસીપી, 3 પોલીસ ઈન્સ્પેક્ટર અને કર્મચારી સહિત 36 લોકો તેમજ શહેરના ગાયકવાડ હવેલી,દરિયાપુર, શાહપુર,રાણીપ,કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ટ્રાફિકના થઇ કુલ 574 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા જે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા રાજ્ય સરકાર,ગૃહ વિભાગ અને આઇપીએસ અધિકારીઓએ રાહત અનુભવી છે.