અમદાવાદમાં 15 દિવસ માટે શટડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 7 દિવસ માટે દવા અને દૂધની દુકાન જ ખુલ્લી રહેશે. આ સિવાય બધુ બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદમાં આ નિર્ણય બાદ વેપારીઓએ લોકોને લૂંટવાનો ધંધો ચાલુ કર્યો છે. વેપારીઓ શાકભાજીના મનફાવે તેવા ભાવ ઉઘરાવી રહ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને કરિયાણુ તેમજ શાકભાજી લેવા માટે અમદાવાદીઓએ કોરોનાનો કહેરને ભૂલીને દોડાદોડી કરી મુકી હતી.
શાકભાજીના વેપારીઓએ ખુલ્લેઆમ લોકોને લૂંટવાનું ચાલુ કર્યુ હતું. વેપારીઓએ બટાકાના કિલોના 100 રૂપિયા જ્યારે ભીંડીના 200થી 250 રૂપિયા કિલો ઉઘરાવતા જોવા મળ્યા હતા. ડુંગળીના પણ વેપારીઓ લોકો પાસેથી 150 રૂપિયા કિલોના પડાવતા હતા. જ્યારે લીલી મરચીના 300-350 રૂપિયા કિલો વેચતા જોવા મળ્યા હતા. બીજી તરફ ગ્રોસરીનો સામાન MRP કરતા દોઢ ઘણા વધુ ભાવે વેચવામાં આવી રહ્યો હતો.