અમદાવાદના ખોખરામાં ગારમેન્ટ કંપનીના ધાબા પરની ટાંકીમાંથી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મહિલાની હત્યા કરીને લાશને પાણીની ટાંકીમાં છૂપાડી દીધી હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે સ્થળ પર પહોંચીને ટાંકીને કાપીને અંદરથી લાશને કાઢી હતી. શહેરના ખોખરામાં આવેલા મોહન એસ્ટેટમાં આવેલી ગારમેન્ટ કંપનીના ત્રીજા માળે ધાબા પર પાણીની પ્લાસ્ટિકની ટાંકીમાં યુવતીની લાશ મળી આવી હતી. જેને પગલે ખોખરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વાય.એસ ગામિત સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં હત્યા બાદ લાશને ટાંકીમાં સંતાડવામાં આવી હોય તેવી આશંકા છે.ત્રણ દિવસ પહેલા જ શહેરમાં સોલા વિસ્તારમાં સામાન્ય ઝગડામાં બોલાચાલી થતાં રિક્ષામાં સુઈ ગયેલા વ્યક્તિને ગણતરીની સેકન્ડોમાં છરીના ત્રણ ઘા ઝિંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
