સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના મહાનગરોમાં એક બાદ એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં AMC એ આવતી કાલથી અમદાવાદમાં AMTS અને BRTS ની સેવા અચોક્કસ મુદ્દત સુધી બંધ કરાયા બાદ હવે ખાનગી તેમજ સરકારી જીમ, પોસ્ટ, ક્લબ તેમજ ગેમિંગ ઝોન પણ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. આ સાથે જ AMCએ કોરોનાની સારવાર માટે અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલો સાથેના MoU પણ રદ કરી દીધા છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યાં છે પરંતુ હવે સ્વ ખર્ચે દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડશે અથવા તો સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડશે.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોનું કહેવું છે કે, ‘સરકારે AMCને ખાનગી હોસ્પિટલો સાથે કોરોનાની સારવાર માટે ટાઈઅપ કરવાની ઘસીને ના પાડી દીધી છે. ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે ચૂકવાયેલા કરોડો રૂપિયા અને ખાનગી હોસ્પિટલો સામે મળેલી ફરિયાદોથી પણ સરકાર નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.’ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, T-20 મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાન લાદ્યુ છે. રાત્રિ કરફ્યૂના સમયમાં વધારા ઉપરાંત અમદાવાદ શહેરના તમામ બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય 18 તારીખથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે. ઉલ્લેખનિય છે કે અગાઉ અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તાર જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને હવે રાત્રિ કરફ્યૂનો સમયગાળો પણ બે કલાક વધારી દેવાયો છે.
