આ પહેલા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે. કોરોનાના કપરા કાળમાં મીની લોકડાઉન વચ્ચે ગેરકાયદેસર દારૂ વેચાણના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે હવે શહેરમાં દેશી દારૂની હેરાફેરી પકડાઈ છે. અમદાવાદના ગોમતીપુરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા. જેમાં છોટા હાથીમાં ગુપ્ત ખાનુ બનાવી દેશી દારૂની હેરેફેરી કરાતી હોવાનું સામે આવ્યું હતું. આ રેડમાં કુલ 485 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. જે ચોર ખાનું બનાવીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાઈ રહ્યો હતો. અમદાવાદના ગોમતીપુરમાં જગન્નાથ મહાદેવની ચાલી પાસેથી દેશી દારૂ ભરેલો ટેમ્પો મળી આવ્યો હતો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા માં છોટા હાથી ટેમ્પોમાં ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે રૂ. 9660ની કિંમતનો 485 લીટર દેશી દારૂ તથા 2 લાખની કિંમતનો ટેમ્પો જપ્ત કર્યો હતો.શહેરના અનેક વિસ્તારમાં દારૂ જુગાર જેવી બેફામ પ્રવૃત્તિઓ સ્થાનિક પોલીસ અને એજન્સીઓના ખાસ વ્યક્તિઓની રહેમનજર હેઠળ ચાલે છે. જેની પર અંકુશ જરૂરી છે. તાજેતરમાં પણ નિકોલ વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જ્યારે ચાંદખેડા વિસ્તારમાં જનતાનગર ગેટ પાસેથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે જાહેરમાં રોડ પર ચાલતું વરલી મટકાનું જુગારધામ ઝડપી પાડ્યું હતું.
