નાગરિકતા સંશોધન બિલ મુદ્દે દિલ્હી સહિત દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠયો છે ત્યારે આ વિરોધનો રેલો હવે છેક ગુજરાત સુધી પહોંચ્યો છે. લઘુમતી સંસ્થાઓએ ગુરૂવારે અમદાવાદ બંધનુ એલાન આપ્યુ છે જેને ભીમ આર્મી સહિત અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ સમર્થન આપ્યુ છે જેના કારણે માત્ર અમદાવાદ જ નહીં, પણ અન્ય શહેરો પણ આ બંધ પાળશે. જોકે, બંધના એલાનને પગલે ગુજરાત પોલીસે એલર્ટ રહેવા આદેશો આપી દીધાં છે. કોઇપણ અનિચ્છિય ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે.
પૂર્વોત્તરમાં બિલનો થયો ભારે વિરોધ
મેઘાલય-આસામથી માંડીને દિલ્હી સુધી એનઆરસી-સીએએ બિલનો વિરોધ થઇ રહ્યો છે. ગુજરાતમાં ય છેલ્લા ત્રણેક દિવસથી આ બિલના વિરોધમાં વિવિધ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ પણ જોડાયાં છે. આજે પણ અમદાવાદમાં એનએસયુઆઇ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આવતીકાલે ગુરૂવારે અલ્પ સંખ્યક અધિકાર મંચ ઉપરાંત અન્ય લઘુમતી સંસ્થાઓએ અમદાવાદ બંધનું એલાન આપ્યુ છે અને લોકોને આ સ્વૈચ્છિક બંધમાં જોડાવવા ધર્મગુરુઓ,ધારાસભ્યો ઉપરાંત સામાજીક આગેવાનોએ અપીલ કરી છે.

કોનું-કોનું સમર્થન ?
આ બંધને અમદાવાદ રિક્ષા એસોસિએશને પણ સમર્થન આપ્યુ છે જેના કારણે ગુરૂવારે શહેરના રસ્તાઓ પર રીક્ષા પણ ફરતી જોવા નહીં મળે. સોશિયલ મિડિયા થકી મેસેજ વાયરલ કરી સ્વૈચ્છિક બંધમાં જોડાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી શહેરમાં વિવિધ સંસ્થાઓની બેઠકનો દોર જામ્યો હતો. આખરે ૧૯મીએ અમદાવાદ બંધનુ એલાન અપાયુ હતું. અમદાવાદ બંધને પગલે શહેરા,ગોધરા, લુણાવાડા,ખેરાલુ,મહેમદાબાદ,વડોદરા સહિતના શહેરો-ગામડાઓ પણ બંધ પાળે તેવુ જાણવા મળ્યું છે.