અમદાવાદમાં સરકાર દ્વારા રિવરફ્રન્ટ લોકો માટે હરવા ફરવાનું સારું એવું સ્થળ બનાવવામાં આવ્યું છે. અહિંયા લોકો પોતાના પરિવાર સાથે શાંતિના પળો માણવા આવતા હોય છે. જયારે આ સ્થળ શહેરના લવબર્ડ્સ માટે પણ પ્રખ્યાત છે, ત્યારે હવે આ જ રિવરફ્રન્ટની નવી ઓળખ સ્યુસાઈડ પોઈન્ટ તરીકે બની રહી છે. જેમાં અવારનવાર નદીમાં ઝંપલાવીને આપઘાત કરવાના સમાચારો છાશવારે છાપામાં ચમકતા હોય છે.
આ રિવરફ્રન્ટ પર અંદાજ દરરોજ 2 કેસો આત્મહત્યાના સામે આવે છે, ત્યારે આજ રોજ ફરી એક યુવકે સવારે વોક વે પરથી ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સદનસીબે હાજર ફાયરની ટીમે તેને બચાવી લીધો હતો. હજુ ગઈકાલે પણ એક 22 વર્ષીય અજાણી યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોએ તાત્કાલિક કંટ્રોલ રૂમને માહિતી આપી હતી. આ માહિતી મળતાં સાબરમતી વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નદીમાં ઝંપલાવેલ યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સાબરમતી નદીમાં છેલ્લા 20 દિવસમાં આપઘાતના બનાવોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 20 દિવસોમાં 11 જેટલા લોકોએ વૉક વે પરથી ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે.
જણાવી દઈએ કે, અગાઉ નદીના બ્રિજ પરથી આપઘાતના કિસ્સાઓ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા બ્રિજની પાળીઓ પર તારની જાળી લગાવી દેવામાં આવતા ત્યાંથી આપઘાતના કિસ્સાઓ ઘટ્યા હતા. જો કે હવે જિંદગીથી હતાશ લોકોએ રિવરફ્રન્ટ વૉક વેને આપઘાત માટે પસંદ કર્યું છે, ત્યારે હવે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશને આ પ્રકારનાં કિસ્સાઓ કેવી રીતે અટકાવવા તે દિશામાં યોગ્ય પગલા લેવા જોઈએ.