અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સરકારની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO) અંતર્ગત માત્ર એક અઠવાડિયામાં જ ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન મેળવવામાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે. આપણા સમાજમાં અંગદાન પ્રત્યે પ્રવર્તતી અલ્પ જાગૃતિને નજર સમક્ષ રાખવામાં આવે તો આ એક મોટી સિદ્ધિ કહેવાય. આપણા સમાજની એક ખાસિયત છે કે આપણે ત્યાં ઘણાં એવાં ઉદાહરણો હશે કે જ્યાં ખૂબ જ નાના બેકગ્રાઉન્ડમાંથી આવેલાં માણસો દ્વારા ખૂબ મોટા કાર્યો થતા હોય છે. આવું જ એક કાર્ય છે અંગદાનનું. પૈસેટકે સુખી અને સાક્ષર-શિક્ષિત કહેવાતા લોકો જે નિર્ણય લેવામાં ખચકાતા જોવા મળે છે એ અંગદાનનું મહાન કાર્ય કરવામાં માલેતુજારોની તુલનાએ ગરીબ માણસો અવ્વલ રહ્યાં છે. આવાં જ નાના લોકોના ત્રણ વિભિન્ન પરિવારોએ છેલ્લાં એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં અંગદાનનું મુઠ્ઠીઊંચેરું કાર્ય કરીને સમાજને સાચો રાહ ચીંધ્યો છે. મધ્ય પ્રદેશના રતલામના કલેક્ટરને ત્યાં રસોઇયા તરીકે કામ કરતા ભગીરથભાઈ પરમારના 20 વર્ષના પુત્ર આકાશ પરમારને બ્રેઇનડેડ જાહેર કરાતા ભગીરથભાઈએ આકાશની બે કિડની, એક લિવર અને એક સ્વાદુપિંડનું મહાદાન કર્યું છે. આકાશની એક કિડનીનું રાજકોટની 11 વર્ષની દિકરીના શરીરમાં અને બીજી કિડનીનું બનાસકાંઠાની 18 વર્ષની યુવતીના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે. જ્યારે લિવરનું ભૂજના એક 50 વર્ષીય વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે. આમ, આકાશના અંગોથી ત્રણ લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે.