અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી પરિણીતાના પતિનું થોડા સમય અગાઉ કોરોનાનાં કારણે મોત નીપજ્યું હતું. હજી પતિ ગયાને ગણતરીના દિવસો થયો છે ત્યારે સાસરિયા કહેવા લાગ્યા કે તારા પતિના મોત માટે તું જ જવાબદાર છે. તેમજ મેણા ટોણા મારીને ઘરથી બહાર નીકળી જવા કહેતા પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલા તેના બાળકો સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ એક કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ વર્ષ 2021ના મે માસમાં તેના પતિનું કોરોનામાં અવસાન થયું હતું. આ મહિલાના વર્ષ 2009માં લગ્ન થયા હતા. લગ્ન બાદ મહિલાની બંને જેઠાણીઓ જે તેના પતિને તેના વિરુદ્ધ ચઢામણી કરી વાત વાતમાં મહેણાં મારી કઈ આવડતું નથી માતા-પિતાએ કંઈ શીખવાડ્યું નથી તેમ કહી તેનું અપમાન કરી માનસિક ટોર્ચર કરતા હતા.
10મી તારીખના રોજ બપોરે જ્યારે આ મહિલા ઘરે હાજર હતી, ત્યારે તેની બંને જેઠાણી અને નણંદ આવીને કહેવા લાગ્યા હતા કે, તારો પતિ તો મરી ગયો અને તે જ તારા પતિને મારી નાખ્યો છે અને તું તારા બાળકોને પણ મારી નાખીશ તેમ કહી ગાળો બોલી તેને ત્રાસ આપ્યો હતો. બાદમાં બંને બાળકો સાસરિયાઓએ માગ્યા હતા જો કે મહિલાએ બાળકો આપવાની ના પાડતાં તેને માર માર્યો હતો. મહિલાની બંને જેઠાણી અને નણંદે જણાવ્યું કે, મારો ભાઈ તો મરી ગયો હવે તારે અહીંયા રહેવાનું નથી. તું તારા મા-બાપના ઘરે જતી રહે. જો કે મહિલાએ બાળકો સાથે ક્યાં રહેવા જઈશ? તેમ કહેતા તેને ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. જેથી મહિલાએ પોલીસને જાણ કરતાં વેજલપુર પોલીસ ત્યાં પહોંચી હતી. સમગ્ર બાબતને લઈને મહિલાએ તેની જેઠાણી નણંદ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.