કોરોના વાયરસના સૌથી વધારે કેસ હાલ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે. આજે એક સાથે 50 કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. જેથી અમદાવાદના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયેલો છે. આ બફર ઝોનમાં જમાલપુર દરવાજાથી શરૂ થઈ રાયખડ, ખાનપુર, શાહપુર, દરિયાપુર, કાલુપુર, સારંગપુર, રાયપુર અને આસ્ટોડિયા દરવાજાનો સમાવેશ કરવામાં આવે છે જેથી તમામ વિસ્તારોને હાલ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે, એક જ દિવસમાં 50 કેસ પોઝિટિવ આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. શહેરમાં પ્રથમ કેસ 17 માર્ચે સામે આવ્યો હતો. જે બાદ પ્રથમ 20 દિવસમાં 600 નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ હવે દરરોજ 600 નમૂના લેવામાં આવી રહ્યાં છે. જો કે, તમામ કોટ વિસ્તાર હાલ અવર જવર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકને ઘરે ઘરે જઈ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યના હોટ સ્પોટ અમદાવાદમાં કેસો વધીને 133 થઈ ગયા છે. જેના કારણે આજથી તમામ લોકો પર પોલીસની બાજ નજર રહેશે અને જો કોઈ પણ માણસ કામ વગર બહાર લટાર મારવા જશે તો તેના પર પોલીસ કડક કાર્યવાહી કરશે.
ખાસ કરીને કોટ વિસ્તારની અંદરના ભાગમાં એન્ટ્રિ-એક્ઝિટ પોઈન્ટ પર RAF-SRPFની ટુકડીઓ તૈનાત કરાઇ છે. અહીં ચેકપોસ્ટ દ્વારા હેલ્થનું કડક ચેકિંગ કરાયું છે.આ સ્થિતિમાં જૂના અમદાવાદ શહેરમાં રહેતી લગભગ 29 લાખની વસ્તી એક રીતે કોર્ડન થઈ ચૂકી છે. અમદાવાદનો સમગ્ર કોટ વિસ્તાર 12 દરવાજાની અંદર આવેલો છે. આમાં પૂર્વના જમાલપુર દરવાજાથી શરૂ કરીએ તો ત્યાંથી રાયખડ દરવાજા, ખાનપુર દરવાજા, શાહપુર દરવાજા, દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર દરવાજા, પાંચકુવા દરવાજા, સારંગપુર દરવાજા, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજાની અંદરનો કોટ વિસ્તાર કોર્ડન કરેલો છે.
જૂના અમદાવાદની વસતિ 29 લાખની છે, જે આખા અમદાવાદની 58 લાખની અંદાજિત વસતિનો અડધો ભાગ છે. આમ, હાલ અડધું અમદાવાદ બફર ઝોનમાં છે, જેમાં 6 વિસ્તારમાં કલસ્ટર ઝોન બનાવી 14000થી વધુ લોકોને ક્વોરેન્ટીન કરાયા છે.