કોરોનાને કારણે આ વખતે સ્કૂલ અને કોલેજોમાં સત્ર મોડું શરૂ થયું છે. જેથી અભ્યાસ અને પરીક્ષા પણ મોડી શરૂ થઈ છે. આજથી ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. જેમાં વિદ્યાર્થીઓ ઘરેથી અને સ્કૂલે આવીને પરીક્ષા આપી શકે તેમ હતું, પરંતુ કોરોનાના કેસ વધતા મોટા ભાગના વિદ્યાર્થીઓએ ઘરેથી જ પરીક્ષા આપવાનું પસંદ કર્યું છે. શહેરની તમામ સ્કૂલોમાં બપોરે 2 અલગ અલગ સમયે પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી લેવાઈ હતી. જ્યારે 6 થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 2 વાગે લેવાઈ હતી. 3 થી 5ના વિદ્યાર્થીઓની 40 માર્કસની જ્યારે 6 થી8 ના વિદ્યાર્થીઓની 80 માર્કસની પરીક્ષા લેવાઈ છે. ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રમાં જ જવાબ લખવાના છે જ્યારે 5 થી 8 ના વિદ્યાર્થીઓએ પેનથી જવાબ લખવાના હતા. નોંધનીય છે કે, કોરોના મહામારીથી સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓને પડ્યું છે. સતત એક વર્ષ સુધી સ્કૂલ-કોલેજ બંધ રહેતાં અભ્યાસ પર મોટી અસર પડી છે. ઓનલાઈન અભ્યાસ ચાલુ હોવા છતાં વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન આપી શકતા ન હતા. ત્યારે હવે છેલ્લા કેટલાક મહિનાથી ધીરે-ધીરે સ્કૂલો તેમજ કોલેજો ફરી શરૂ થતાં વિદ્યાર્થીઓ ખુશ થયા છે. શહેરની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓમાં સ્કૂલે જવાનો ઉત્સાહ વધારે જોવા મળ્યો છે. હાલમાં ગ્રામીણ વિસ્તારની સ્કૂલોમાં 70 ટકાની આસપાસ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ છે.
