અમદાવાદના સોલા હેબતપુરમાં વૃદ્ધ દંપતીની હત્યાના કેસમાં પકડાયેલ હત્યારાઓની પૂછપરછમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, આરોપી નવરંગપુરામાં એક વૃદ્ધ દંપતીના ઘરે લૂંટ કરવા ગયા હતાં પરંતુ તેઓ સફળ ન થતા તેમને હેબતપુરમાં લૂંટનો પ્લાન કર્યો હતો. આ સાથે જ વૃદ્ધ દંપતીની હત્યા કર્યા બાદ હત્યારાએ તેમના મૃતદેહ અને છરા સાથે સેલ્ફી પણ પડાવી હતી જેથી પકડાયેલા આરોપીની વિકૃત માનસિકતા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે અન્ય એક આરોપીને પકડવા માટે સોલા પોલીસ ટીમ મધ્યપ્રદેશ પહોંચી છે. હેબતપુર વૃદ્ધ દંપતી હત્યા કેસમાં ઝડપાયેલા પાંચેય આરોપી 10 દિવસના રિમાન્ડ પર છે. ત્યારે પોલીસે આરોપી સાથે કરેલી પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે, નવરંગપુરાની સુવાસ કોલોનીના મકાન નં-9માં આરોપીઓએ લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો. જેમાં અગાઉ આરોપી આશિષ વિશ્વકર્માએ નવરંગપુરા સુવાસ કોલોની મિસ્ત્રીમાં કામ કર્યું હતું. ત્યારે આરોપીએ મકાનમાં 30 જેટલા ચોરખાના બનાવ્યા હતાં જ્યાં એકલાવ્યું જીવન જીવતા વૃદ્ધ દંપતી હતાં. જેથી આરોપી આશિષએ તેના અન્ય મિત્રોને મધ્યપ્રદેશથી બોલાવીને લૂંટ વિથ હત્યાનો પ્લાન ધડ્યો હતો.જેમાં આરોપી આશિષ, રવિ શર્મા, નીતિન ગૌડ, રાહુલ ગૌડ અને બ્રિજમોહને ભેગાં થઈને 12મી ફ્રેબ્રુઆરીએ મોડી રાત્રે દેશી તમંચો, તીક્ષ્ણ હથિયાર સાથે લૂંટ કરવા ઘરમાં પહોંચ્યા હતાં. જ્યાં ઘરમાં કોઈ ઉઠી જતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતાં. એટલું જ નહીં લૂંટ સમયે કોઈ પણ વચ્ચે આવે એટલે કે પોલીસ પર ફાયરિંગ કરીને હત્યા કરવાનો પ્લાન બનાવી દીધો હોવાનું કબૂલાત કર્યું છે. હત્યા કેસમાં અન્ય એક આરોપી રવિ શર્મા હજુ પોલીસ પકડથી દૂર છે જેને પકડવા સોલા પોલીસની ટીમ મધ્યપ્રદેશ પહોંચી છે. ત્યારે બીજી તરફ આરોપી નીતિન ગૌડ કે જે રીઢો ગુનેગાર છે અને પોતાની ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેને આ ગુનાને અંજામ આપ્યા બાદ પણ કોઈ પસ્તાવો થયો હોય કે પોલીસે પકડ્યો હોય તેનો ડર સુદ્ધાં જોવા નથી મળ્યો. હાલમાં પોલીસે પકડાયેલા આરોપીની સધન પૂછપરછ શરૂ કરી છે.
