વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સાંજે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુક્યો હતો. દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત પ્રથમ વાર જ દુબઈની જેમ અમદાવાદમાં પણ શોપિંગ ફેસ્ટિવલ શરૂ કરાયો છે. જેમાં વેપારીઓ 10 ટકાથી લઈને 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે.
અગાઉ તાજેતરમાં જ મુખ્ય સચિવ જે. એન. સિંહે એવું જણાવ્યું હતું કે વડાપ્રધાન શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરીને કોઈ ખરીદી કરશે. આ વાત સાચી પડી છે. વડાપ્રધાન મોદી શોપિંગ ફેસ્ટિવલને ખૂલ્લો મૂકયા બાદ વિવિધ સ્ટોલમાં ફર્યા હતા અને ખાદીના જેકેટ વેચતા એક સ્ટોરમાં તેઓ ઊભા રહ્યા હતા. જ્યાં તેઓએ કેટલાક જેકેટ જોયા હતા જે પૈકી માંથી વડાપ્રધાન મોદીએ ખાદીના એક જેકેટની ખરીદી કરી હતી. તેમજ જેકેટના બિલની રકમ પોતાના RuPay કાર્ડથી ચૂકવણી કરી હતી.
વડાપ્રધાને ખૂબ જ હળવાશભર્યા મૂડમાં અને હસતા હસતા એક સામાન્ય માણસની જેમ આ ખરીદી કરી હતી. શોપિંગ ફેસ્ટિવલમાં હાજર રહેલા સૂત્રો જણાવે છે કે વડાપ્રધાને જેકેટ ઓફ વ્હાઇટ કલરનું છે જેની કિંમત અઢીથી ત્રણ હજાર રૂપિયાની છે.