અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં 27 લાખની કિંમતના દાગીના અને રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી થઇ હોવાની ઘટના બની છે. બોડકદેવમાં આવેલા પ્રેસટીઝ ટાવરમાં રહેતા પુષ્પાંજલિ અગ્રવાલ નામની મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ તેઓ પહેલી મેના રોજ અમદાવાદથી પોતાના પિયર રાજસ્થાન ખાતે ગયા હતા. ૩જી જૂનના રોજ તેઓ પરત આવ્યા હતા. જોકે ઘરે પરત આવતા ઘરમાં લગાવેલા સીસીટીવીનું DVR ચોરી થયું હોવાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. જે બાદ તેઓએ પોતાના ઘરની તિજોરી ખોલીને ચેક કરતાં તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ ચાંદીના વાસણો સહિત અઢી લાખ રૂપિયા જેટલી રોકડ રકમ અને કુલ મળીને 27 લાખ 40 હજારની કિંમતના દાગીના રોકડ અને ઘડિયાળ ચોરી થઇ હોવાનું ધ્યાને આવ્યું હતું.દાગીના અને રોકડની સાથે ફરિયાદી અને તેમના બે બાળકોના પાસપોર્ટ તેમજ જુદા જુદા દસ્તાવેજ અને ફરિયાદી મહિલાએ સહી કરેલા કોરા કાગળોની પણ ચોરી થઇ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જેથી આ સમગ્ર બાબતને લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઇ છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
