દેશભરમાં એરપોર્ટની ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે, તેવામાં અમદાવાદ એરપોર્ટનું પણ ખાનગીકરણ થઈ રહ્યું છે, ત્યારે એરપોર્ટ કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં ભૂખ હડતાળ પર ઉતરતા વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટના 150 જેટલા કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. આ મુદ્દે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓનું માનવું છે કે, ખાનગીકરણથી પ્રજા પર મોંઘવારીનો માર પડશે, સાથે કર્મચારીઓ રિઝર્વેશન પોલીસી સહિતના અનેક લાભથી વંચિત થઈ જશે, જેને પગલે વિરોધ માટે ભૂખ હડતાળ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત દેશના મોટાભાગના એરપોર્ટને ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટ્સના ખાનગીકરણની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે અમદાવાદના ગૌતમ અદાણી જૂથને દેશના પાંચ એરપોર્ટના અપગ્રેડેશન અને સંચાલનનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. અદાણી જૂથને આ કોન્ટ્રાક્ટ આગામી 50 વર્ષ માટે મળ્યો છે. આ એરપોર્ટ્સમાં અમદાવાદ ઉપરાંત લખનઉ, જયપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમનો સમાવેશ થાય છે.