ગુજરાત લોક રક્ષક દળના પેપર લીક કાંડમાં કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ન્યાય યાત્રા કાઢી હતી. મોટા કાફલા સાથે અમદાવાદના ગાંધી આશ્રમથી નીકળેલી ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ કાંડમાં મોટા માથાઓના નામ સંડોવાયેલા છે. દિલ્હી સુધી રેલો પહોંચશે તો મોટા માથાઓના નામ ખૂલશે.
અલ્પેશ ઠાકોરે મીડિયાને જણાવ્યું કે હાલ કોઈનું નામ લઈ શકાય એમ નથી. કાંડ કરનારા લોકો રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલા લોકો છે. સરકારે કહ્યું છે કે કોઈ પણ ચંરબંધીને છોડવામાં આવશે નહીં તો સરકાર પોતાની કટિબદ્વતા પુરવાર કરી બતાવે. પેપર લીક કરનારાને પકડી પાડવામાં આવ્યા છે એવું કહેવાય છે પણ પેપર કોણે લીક કર્યું તેનું નામ હજુ સુધી બહાર આવ્યું નથી.
તેમણે કહ્યું કે જો દિલ્હીથી આ પ્રકરણનો છેડો પહોંચશે તો મોટા માથાઓ નામ નિશ્ચિતરૂપે બહાર આવશે. પછી ભલે મોટા નેતા હોય કે મોટા અધિકારીઓ જ કેમ ના હોય એમને કડકમાં કડક સજા મળવી જોઇએ. અમારી એક માગણી છે કે, આ કેસમાં એસઆઇટીની રચના થાય અને ગુનેગારોને સખત સજા કરવામાં આવે. અલ્પેશ ઠાકોરે પંદર દિવસમાં તપાસ પૂર્ણ કરવાની માંગ કરી હતી.
અલ્પેશ ઠાકોરની ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં ઓબીસી,એસસી અને એસટી એકતા મંચના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. ગુજરાતમાં લોક રક્ષક ભરતીના પેપર લીક થયાની ઘટનામાં પોલીસે મહિસાગરમાંથી મુખ્ય સૂત્રધાર મનાતા યશપાલની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં પેપર લીક થવાના દિવસે યશપાલ દિલ્હીથી ગાંધીનગર આવ્યો હતો અને સુરતમાં પરીક્ષા આપી છૂમંતર થઈ ગયો હતો.