અમદાવાદમાં આજે એક જ દિવસમાં 50 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોધાયા છે. શહેરમાં પ્રથમ કેસ 17 માર્ચે સામે આવ્યો હતો. જે બાદ પ્રથમ 20 દિવસમાં 600 નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ હવે દરરોજ 600 નમૂના લેવામાં આવી રહ્યાં છે.
આ અંગે શહેરના મ્યુન્સિપલ કમિશ્નર વિજય નેહરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ પ્રથમ વખત એવું થશે કે ભારતના પ્રથમ હેરિટેજ સિટીને શહેરના અન્ય વિસ્તારથી અલગ કરી દેવામાં આવ્યું છે. કોટ વિસ્તારમાં કલસ્ટર ક્વોરેન્ટાઈન અને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના કોટ વિસ્તારમાં આવેલા 9 દરવાજાઓ ખાતે ચેકપોસ્ટ ઉભા કરીને ચેકિંગ શરૂ કરાયું છે.
કમિશ્નર નેહરાએ વધુમાં જણાવ્યું કે, કોરોનાને કાબૂમાં કરવા માટે મ્યુન્સિપલ કોર્પોરેશન ચાર તબક્કે કામ કરી રહ્યું છે. જેમાં સર્વેલન્સ, ટેસ્ટિંગ, પોઝિટિવ કેસોના સંપર્કમાં આવેલ લોકોનો આઈસોલેશન અને ક્વોરેન્ટાઈન કરવા અને તેમને ઉત્તમ સારવાર આપવી. હાલ અમારૂં સંપૂર્ણ ધ્યાન ટેસ્ટિંગ પર જ છે. શહેરમાં કોરોના પોઝિટિવ કેસોને શોધી કાઢવા માટે મ્યુન્સિપલ કોર્પોરેશનની ટીમ સઘન ઝૂંબેશ હાથ ધરશે. આ માટે આરોગ્ય વિભાગના 1900 કર્મચારીઓ સહિત સ્ટાફના લોકો કોટ વિસ્તારમાં ઘરે-ઘરે જઈને લોકોની તપાસ કરશે. જેમાં જો કોઈને તાવ, શરદી અને ઉધરસ જેવી સમસ્યા હશે તેમના સેમ્પલ લેવામાં આવશે.