અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મોટેરા ગામથી વિસત હાઈવે આસપાસની ઝુંપડપટ્ટીમાં રહેતા ૪૫ પરિવારોને સાત દિવસમાં જગ્યા ખાલી કરવા માટે નોટીસ ફટકારી છે. આ ઝૂંપડપટ્ટીમાં રહેતા ૨૦૦ જેટલા લોકોએ નોટીસ મળ્યા બાદ રોષ વ્યક્ત કર્યો છે. ટ્રમ્પના કાર્યક્રમને લઈને ઝુંપડપટ્ટી હટાવવા માટે આ નોટીસ અપાઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોટેરા ગામથી વિસત હાઈવે પરની ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને હવે સાત દિવસમાં જગ્યા ખાલી કરવી પડે તેવી સ્થિતી સર્જાઈ છે. કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં આવેલી ૪૫ જેટલી ઝુંપડપટ્ટીને જગ્યા ખાલી કરવા માટે નોટીસ ફટકારી છે અને સાત દિવસમાં જ જગ્યા ખાલી કરવા માટે આદેશ કર્યો છે. ઉપરાંત તેમને બુધવારના રોજ કોર્પોરેશન ખાતે બોલાવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે. વર્ષોથી આવેલી ઝૂંપડપટ્ટીને ટ્રમ્પના આગમન પહેલા જ ખાલી કરવા માટે નોટીસ મળતા ભારે રોષ ફેલાયો છે.