કોરોનાના વધતા જતા કેસોને જોતા આજે AMCએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શાકભાજી વેચનારનું દર સપ્તાહે સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં છેલ્લા 2 દિવસથી દુર્ગંધનો પ્રશ્ન ઉદભવ્યો હતો તે અંગે પણ સ્પષ્ટતા કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. તેમાં તેમણે જણાવ્યુ કે, અમદાવાદમાં ડબલિંગ રેટ 12 દિવસનો થઈ ગયો છે. છેલ્લા 10 દિવસથી આપણે નિયંત્રણ લાવી શકયા છે. છેલ્લા બે દિવસથી એક્ટિવ કેસનો વધારો 6 ટકાથી નીચે ગયો. કોરોનાનું વધુ સંક્રમણ અટકાવવા AMCએ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દર સપ્તાહે ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરાશે. ફેરિયાઓને સ્ક્રિનિંગ કરી 7 દિવસનું કાર્ડ અપાશે. 7 દિવસ બાદ ફરીથી સ્ક્રિનિંગ કરાવવું પડશે. ફેરિયાએ માસ્ક ન પહેર્યુ હોય તો ખરીદી ન કરવી તેવું શહેરીજનોને આહ્વાન કર્યું છે.
વિજય નેહરાએ વધુમાં જણાવ્યુ કે, અત્યાર સુધી 222 સુપર સ્પ્રેડર પોઝિટિવ આવ્યા છે. સુપર સ્પ્રેડર મામલે કરેલી કાર્યવાહી અંગે વાત કરીએ તો અત્યાર સુધીમાં 11,651 સુપર સ્પ્રેડરનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને 2,714ના સેમ્પલ લીધા હતા. જેમાંથી 222ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સુપર સ્પ્રેડરને લઈ આપણે નિર્ણય કર્યો છે કે,ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરી કાર્ડ આપવામાં આવશે અને કાર્ડ ન હોય તેને વેપાર કરવા દેવાશે નહીં. માસ્ક ન પહેરનારા પાસેથી અત્યાર સુધી 9 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, જમાલપુરની શીફા હોસ્પિટલને કોવિડ કેર સેન્ટરની મંજૂરી મળી ગઇ છે.