અમદાવાદ સહિત ગુજરાતભરમાં કાળઝાળ ગરમીના કેરમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે અમદાવાદ સહિત રાજ્યના ૧૦ શહેર ૪૨ ડિગ્રીથી વધુ ગરમીમાં શેકાયા હતા. જેમાં સુરેન્દ્રનગર ૪૪.૪ ડિગ્રી સાથે ‘હોટેસ્ટ સિટી’ બની રહ્યું હતું જ્યારે અમદાવાદમાં ૪૩.૩ ડિગ્રી ગરમીનો પારો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૩ દિવસ દરમિયાન બનાસકાંઠા,સાબરકાંઠા,સુરત, સૌરાષ્ટ્રમાં ‘હીટ વેવ’ની સ્થિતિ રહેશે.
અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં બીજી વાર ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર થયો છે. અગાઉ ૨૩ એપ્રિલના ૪૩.૩ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. આમ, ગત વર્ષે એપ્રિલમાં એકપણ વાર ગરમીનો પારો ૪૩ ડિગ્રીનો પાર થયો નહોતો. જેની સરખામણીમાં આ વખતે ૪ દિવસમાં બે વાર ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર થયો છે. હાલ બપોરે ૧૨ થી સાંજે ૪ દરમિયાન આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમીનો અહેસાસ થાય છે.
અમદાવાદમાં ૪૩.૩ ડિગ્રી સાથે સરેરાશ મહતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨ ડિગ્રીનો વધારો જ્યારે ૨૭.૮ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૧ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૩ દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર જઇ શકે છે અને તેના પગલે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાઇ છે.
ગરમીનો પારો ૪૧ થી ૪૩ ડિગ્રી વચ્ચે રહે તો ‘યલો એલર્ટ’, ૪૩ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહે તો ‘ઓરેન્જ એલર્ટ’ અને ૪૫ ડિગ્રીથી વધી જાય તો ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ૩ દિવસ ૪૫ ડિગ્રીની આસપાસ ગરમીનો પારો રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તરપશ્ચિમથી ઉત્તર દિશાનો પવન છે. જેના પગલે આગામી ૨૪ કલાક ગરમીમાં હજુ વધારો થાય તેની સંભાવના નહિવત્ છે.