બુધવારે સુરત શહેરમાં સીટી બસે બે માસૂમો સહિત ત્રણ લોકોનો ભોગ લીધો હતો. ગુરુવારે સવારે આવો જ બનાવ અમદાવાદ ખાતે નોંધાયો છે. અમદાવાદમાં માતેલા સાંઢની જેમ દોડી રહેલી બીઆરટીએસ (Bus Rapid Transit System) બસે બે સગા ભાઈઓને કચડી માર્યાં છે.
મળતી માહિતી પ્રમાણે ગુરુવારે સવારે શહેરના પાંજરાપોળ પાસે BRTSની બસે એક બાઇકને અડફેટે લીધું હતું. જે બાદ બાઇક સવાર યુવકો નીચે પટકાયા હતા અને તેમના પર બસ ફરી વળી હતી. બંને ભાઈઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ રીતે બે જ દિવસમાં રાજ્યના બે મોટા શહેરમાં બસ ચાલકોએ પાંચ લોકોનો ભોગ લીધો છે.

બંને ભાઈઓ નોકરીએ જવા નીકળ્યા હતા
બંને ભાઈઓ દાણીલીમડા ખાતે આવેલા પોતાના ઘરેથી સવારે સાડા આઠ વાગ્યે નોકરી પર જવા માટે બાઇક પર નીકળ્યા હતા. નાનો ભાઈ ગાંધીનગર ખાતે સચિવાલયમાં નોકરી કરતો હતો, જ્યારે મોટો ભાઈ તાલાલા ખાતે બેંકમાં નોકરી કરે છે. મોટા ભાઈને તાલિમ હોવાથી અમદાવાદ આવ્યો હતો.
સુરતમાં મૃતકોને અગ્નિદાહ અપાયો નથી ત્યાં બીજી ઘટના
બુધવારે સીટી બસની અડફેટે મોતને ભેટેલા લોકોનાં મૃતદેહો સ્વીકારવાનો તેમના પરિવારના લોકોએ ઇન્કાર કરી દીધો છે. એટલે કે સુરતના મૃતકોને અગ્નિદાહ અપાયો નથી ત્યાં જ અમદાવાદમાં બીઆરટીએસની બસે બે યુવકોને કચડી નાખ્યા છે.
સિગ્નલ બંધ હોવા છતાં બસો દોડતી હોવાનો આક્ષેપ
પાંજરાપોળ નજીક અકસ્માત થયા બાદ ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે આ રૂટ પર સિગ્નલ બંધ હોવા છતાં બીઆરટીએસ અને એએમટીએસની બસો દોડે છે. બીજી તરફ કૉંગ્રેસ પાર્ટી તરફથી આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, બીઆરટીએસ બસોનાં ડ્રાઇવરોને યોગ્ય ટ્રેનિંગ આપી ન હોવાથી આવા અકસ્માતો થઈ રહ્યા છે.
મૃતકોનાં નામ
મળતી માહિતી પ્રમાણે મૃતકોમાં નયન રામ (ઉં.વ. 26) અને જયેશ રામ (ઉં.વ. 24)નો સમાવેશ થાય છે. એવી પણ માહિતી મળી છે કે મૃતક જયેશની રામની પત્ની દાણીલીમડા ખાતે PSI (Police Sub Inspector) તરીકે ફરજ બજાવે છે.