ગુજરાતમાં ક્રિકેટ મેચ પર કરોડોનો સટ્ટો રમાય છે અને અવારનવાર ક્રિકેટના સટોડિયાઓ પોલીસની પકડમાં આવ્યા હોવાના સમાચારો સામે આવે છે, ત્યારે આજે વધુ એક કિસ્સો અમદાવાદના પોશ વિસ્તાર એવા બોપલમાંથી સામે આવ્યો છે. જેમાં અમદાવાદ પોલીસે સાઉથ બોપલના એક ફ્લેટમાં ત્રાટકીને ક્રિકેટ પર ખેલાતા સટ્ટાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરીને 9 લોકોની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, બોપલ પોલીસને બાતમી મળી હતી કે, સાઉથ બોપલમાં આવેલ ઓર્ચિડ એલગેન્સના ઈ-બ્લોકમાં 603 નંબરના ફ્લેટમાં કેટલાક સમયથી શંકાસ્પદ લોકોની હિલચાલ છે અને તેઓ ક્રિકેટ સટ્ટા બેટિંગ સાથે જોડાયેલા છે.
આથી પોલીસે મળેલી બાતમીના આધારે દરોડો પાડતા ક્રિકેટ સટ્ટાનું આતરરાષ્ટ્રીય નેટવર્ક મળી આવ્યું હતું. જ્યાં પોલીસે 5 લેપટોપ, 88 મોબાઇલ ફોન, 4 ટીવી, એક કાર અને અન્ય દસ્તાવેજ જપ્ત કરીને રાહુલ ઠકકર સહિત 9 લોકોની ધરપકડ.કરી હતી. રાહુલ ઠક્કર સાથે ઝડપાયેલી વ્યક્તિઓમાં મોટા ભાગના લોકો એકબીજાના સંબંધી છે અને સાઉથ બોપલમાં ફ્લેટ ભાડે રાખી ક્રિકેટ સટ્ટો રમાડતા હતા. હાલ પોલીસે તેમને બાંગ્લાદેશ પ્રિમિયર લીગ પર સટ્ટો રમાડતા ઝડપી લીધા છે. આ ઝડપાયેલા આરોપીઓ પૈકી લગભગ તમામ અગાઉ પણ ક્રિકેટ સટ્ટા સાથે અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ઝડપાઈ ચૂક્યા છે. હાલ પોલીસે કુલ રૂપિયા 9 લાખનો મુદામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.