શહેરમાં દિન-પ્રતિદિન પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રદૂષણને ધ્યાનમાં લઈને અમદાવાદમાં 300 ઈલેક્ટ્રિક એસી મીડી બસોના કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ માટે માર્ચ મહિનામાંજ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને ટાટા મોટર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ બસોની ડિલિવરી માર્ચ-2020 બાદ તબક્કાવાર કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં AMTSની 700 બસ અને 255 બસો BRTSની છે, જ્યારે શહેરમાં દરરોડ 8 લાખ લોકો રોજના મુસાફરી કરી છે. પ્રદૂષણને ધ્યાનમાં લઈને ઈકો ફ્રેન્ડલી પરિવહન સેવા બનાવવા માટે શહેરની BRTS જનમાર્ગ માટે 300 ઈલેક્ટ્રિક મીડી એસી બસોને ગ્રોસ કોસ્ટ મોડલ પર સપ્લાય, ઓપરેશન અને મેઈન્ટેન્ટસની ટેન્ડર પ્રક્રિયા બાદ ટાટા મોટર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડસ્ટ્રિઝ દ્વારા ફાસ્ટર અપડેશન એન્ડ મેન્યુફેકચરર ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલ સ્કિમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમદાવાદ જનમાર્ગ લી.ને સબસિડી મળશે. જાહેર પરિવહન સુવિધા આપતી સંસ્થાઓને ઈકો-ફ્રેન્ડલી વ્હિકલ પ્રમોટ કરવા માટે કેન્દ્ર સરકારે આ સ્કિમ લાગુ કરી છે. તેના અંતર્ગત આગામી 10 વર્ષ દરમિયાન અમદાવાદ જનમાર્ગ લી.ને પ્રતિ બસ 45 લાખ રૂપિયાની સબસિડી મળશે.