ગુજરાત પોલીસ એકેડમીમાં પોલીસનું પ્રશિક્ષણ લઈ રહેલા પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડનાં આત્મહત્યા પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડીવાયએસપી એન.પી.પટેલ વિરુદ્વ ગુનો નોંધવાની ફરજ પડી છે. એન.પી.પટેલ વિરુદ્વ પીએસઆઈને દુષ્પ્રેરણા આપવા અને ત્રાસ આપવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હવે એન.પી. પટેલની ધરપકડ કરવામાં આવશે.
પાછલા ચારેક દિવસથી પીએસઆઈ રાઠોડની આત્મહત્યાના પ્રકરણમાં પરિવારજનો દ્વારા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી વિકૃતિથી પિડાતા ડીવાયએસપી એન.પી.પટેલ વિરુદ્વ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હતી. આજે પણ પીએસઆઈ રાઠોડની લાશને અંતિમ વિધિ માટે સ્વીકારવાનો પરિવાજનોએ ઈન્કાર કરતા અમદાવાદ પોલીસ ફિક્સમાં મૂકાઈ જવા પામી હતી. પીએસઆઈ દેવેન્દ્રસિંહના પિતા સત્યેન્દ્રસિંહની ફરીયાદના અનુસંધાને એન.પી.પટેલ સામે અમદાવાદ ડીસીબીને ગુનો નોંધવાની ફરજ પડી છે.
દેવેન્દ્રસિંહની સ્યુસાઈડ નોટમાં ડીવાયએસપી પટેલ સામે માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાનું લખ્યું હતું. પીએસઆઈ રાઠોડના મોત બાદ તેમની પત્ની ડિમ્પલે મીડિયા સમક્ષ ડીવાયએસપી પટેલનું વિકૃત સ્વરૂપનો ભાંડો ફોડ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે ડીવાયએસપી પટેલ મારા પતિને સજાતીય સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા અને તેના કારણે તેમની વિરુદ્વ ગુનો દાખલ કરવામાં આવે. ખાસ કરીને સોલા પોલીસની ભૂમિકા ચર્ચાસ્પદ બની હતી. પરંતુ લોકમિજાજ અને પરિવારજનોનો રોષ જોઈને પોલીસે આખરે ગુનો નોંધવાની ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતો મુજબ વિકૃતિથી પિડાતા ડીવાયએસપી એન.પી.પટેલ વિરુદ્વ સૃષ્ટિ વિરુદ્વના કૃત્યની કલમ લગાવવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ ફરીયાદ દાખલ થતાં હવે પરિવારજનો દ્વારા દેવેન્દ્રસિંહની અંતિમ ક્રિયા માટેની તૈયારી શરૂ કરવામાં આવશે અને મૃતદેહનો સ્વીકાર કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.