પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના વધુ એક ટોચના નેતાને અમદાવાદ ડીસીબીએ જેલના હવાલે કરી દેતા પાટીદાર અનામત આંદોલન સમિતિમાં ચકચાર મચી જવા પામી છે. હાલ PAASના અલ્પેશ કથીરીયા જેલમાં છે અને સુરત ડીસીબીએ સુરતના રાજદ્રોહના કેસમાં કથીરીયાની ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ જેલમાંથી ધરપકડ કરી છે.
હાર્દિકના એક સમયના ખાસ વિશ્વાસુ અને PAASના અગ્રણી નેતાની હરોળમાં આવતા દિનેશ બાંભણીયાની અમદાવાદ ડીસીબીએ ધરપકડ કરી છે. દિનેશ બાંભણીયા રાજદ્રોહના કેસમાં અવાર-નવાર ગેરહાજર રહેતા પોલીસે કાર્યવાહી કરી છે. રાજદ્રોહના કેસમાં દિનેશ બાંભણીયા કોર્ટમાં હાજર નહીં રહેતા તેની સામે વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડતા ડીસીબીએ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વોરંટ બિનજામીનપાત્ર હોવાથી ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. રાજદ્રોહના કેસમાં નોન બેલેબલ વોરંટને આધારે ધરપકડ થતાં હવે બાંભણિયાએ ફરી જામીન લેવા પડશે.
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી દેખાઈ રહી છે તેમ તેમ PAASના નેતોઅ કાર્યકરોની ધરપકડનો સિલસિલો ફરી શરૂ થવાની શક્યતા જણાઈ આવી રહી છે. PAAS અનેક કાર્યકરો પર કેસ કરવામાં આવેલા છે અને આ કેસોમાં કોઈની ધરપકડ થઈ નથી તો કેટલાક કેસોમાં જામીન પર છૂટકારો મળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
દિનેશ બાંભણીયાએ તાજેતરમાં હાર્દિક વિરુદ્વ પત્રકાર પરિષદ યોજી હતી અને હાર્દિક વિરુદ્વ અનેક પ્રકારના આક્ષેપો કર્યા હતા જેનો બાદમાં હાર્દિકે જવાબ આપ્યો હતો. બાંભણીયા અને હાર્દિક વચ્ચે હાલ 36નો આંકડો ચાલે છે.