ગુજરાતમાં કોરોના વાયરસના 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાવચેતીના ભાગરૂપે રવિવારે 22 માર્ચે જનતા કરફ્યૂ લગાવવાની વાત કરી છે. અમદાવાદમાં જનતા કરફ્યૂમાં પેટ્રોલ પંપ બંધ રહેવાની અફવા વચ્ચે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે.
રવિવારે જનતા કરફ્યૂ પહેલા લોકો પોતાનો જીવન જરૂરી સામાન ભેગો કરી લેવા માટે બજારમાં ભીડમાં જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગ રૂપે લોકોને સૂચન આપ્યુ છે કે ભીડભાડ વાળી જગ્યાએથી દૂર રહો અને 4થી વધુ લોકો ભેગા ના થાવ. જોકે, લોકો હજુ સુધી પોતાની જવાબદારી સમજી શક્યા નથી તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં રવિવારે પેટ્રોલ પંપ બંધ રહેવાની અફવા ઉડતા લાંબી લાઇનો લાગી હતી. જુહાપુરામાં આવેલા HP પેટ્રોલ પંપે પેટ્રોલ પંપ બંધ રહેવાની અફવાને ફગાવી દીધી હતી. પેટ્રોલ પંપ ધારકે કહ્યું કે, અમને હજુ સુધી પેટ્રોલ પંપ બંધ રાખવાની કોઇ સુચના મળી નથી. રવિવારે પણ દરરોજની જેમ પેટ્રોલ પંપ ચાલુ જ રહેશે અને લોકોને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખી રહ્યા છીએ.
જનતા કરફ્યૂ વચ્ચે લોકો દૂધ ખરીદવા માટે ઠેર ઠેર લાઇનો લગાવીને ઉભા છે. અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં અમૂલના પાર્લર બહાર મોટી સંખ્યામાં લોકોની લાઇનો જોવા મળી હતી. જનતા કરફ્યૂને લઇ લોકો કોઇ પરેશાની ના થાય તે માટે સંગ્રહ કરી રહ્યા છે.
બીજી તરફ નીતિન પટેલે કહ્યું છે કે, મોલમાં પણ જે જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો છે તેના સિવાયની બાકીની દુકાનો ફરજિયાત બંધ રહેશે. સરકાર સાવચેતીની સાથે લોકોને કોઇ તકલીફ ના પડે તેનું પણ ધ્યાન રાખી રહી છે.