રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રહીશ વિસ્તારોમાં દારૂ પીને પાર્ટી કરવાનાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ગઇકાલે મધરાતે શહેરનાં સેટેલાઇટ વિસ્તારનાં કેશવબાગ પાર્ટી પ્લોટ પાસેનાં સંઘમિત્રા ફ્લેટમાં સ્પા સંચાલકની બર્થડે પાર્ટી ઝડપી પાડી હતી. જેમાં નશામાં ધૂત સ્પા સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સાથે સાત છોકરીઓ પણ હતી, જોકે તેમણે દારૂ પીઘો ન હતો તેવું કહીને સેટેલાઇટ પોલીસે તેમને છોડી દીધી હતી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે શનિવારે મધરાતે સેટેલાઇટ પોલીસને રિંગ રોડ પર આવેલા કેશવબાગ પાર્ટી પ્લોટ પાસેના સંઘમિત્રા ફ્લેટના રહીશોઓ સેટેલાઇટ પોલીસને ફોન કરીને જાણ કરી હતી. તેમને જાણ કરી હતી કે એપાર્ટમેન્ટમાં સાત છોકરીઓ દારૂ પીને ડીજે પર ઘમાલ કરીને બૂમાબૂમ કરી રહી છે. જે પછી પોલીસે ત્યાં દરોડો પાડયો હતો. તપાસ કરતાં પોલીસે આંબાવાડીમાં મહેતનપુરાની ચાલીમાં રહેતા અને નવરંગરપુરામાં પોતાનું સ્પા ચલાવતા ડાયાભાઇ. જી. વણકરની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરતાં એપાર્ટમેન્ટના રૂમમાંથી એક દારૂની બોટલ તથા બિયરના 10 ટીન કબજે કર્યા હતા.
સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, એમ.બી.ઝાલાના જણાવ્યા મુજબ યુવકની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ થઇ છે. તેની પાસેથી દારુની તથા બિયરની બોટલો મળી આવતા કેસ નોંધ્યો છે. આરોપી તથા યુવતીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ મકાન સ્પાનાં સંચાલકનાં નામે ભાડે લીધું હતું અને તેમાં સ્પામાં નોકરી કરતી યુવતીઓ રહેતી હતી. ગઇકાલે યુવકનો જન્મ દિવસ હોવાથી રાત્રે ઉજવણી કરી હતી અને ત્યાં ડાન્સ કરીને ધમાલ મચાવી હતી.