બોયફ્રેન્ડ સાથે રિવરફ્રન્ટ પર પહોંચ્યા બાદ યુવતી સેલ્ફી લેવા પાઇપ ઉપર ચઢી હતી. જોકે, પગ લપસી જતા નદીમાં પડી હતી. ફાયરબ્રિગેડે યુવતીને બચાવી વી.એસ. હોસ્પિટલ ખસેડી હતી. તેની તબિયત સુધરતા પોલીસે તેનું નિવેદન લઇ જાણવા જોગ એન્ટ્રી કરી કેસનો નિકાલ કર્યો છે.
ભૂદરપુરામાં રહેતી નેહા ખાનગી બેંકમાં નોકરી કરે છે અને કેશોદ કોલેજમાં બીએના પહેલાં વર્ષમાં અભ્યાસ કરે છે. નોકરીના સ્થળ પર રોહન નામના યુવક સાથે નેહાને મિત્રતા થઇ હતી. આજે નેહાને ઘરેથી રોહન લઇ ગયો હતો અને બંને નહેરુ બ્રિજ નજીક રિવરફ્રન્ટ પર નીચેના ભાગે બેઠા હતા. આ દરમિયાન રોહનને ફોન આવતા તે વાત કરવા દૂર ગયો હતો. એકલી નેહા રિવરફ્રન્ટની રેલિંગ(પાઇપ) પર ઊભી રહી સેલ્ફી લઇ રહી હતી ત્યારે જ બેલેન્સ જતા તે નદીમાં પડી હતી. રોહન દોડી આવ્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયરબ્રિગેડે નેહાને બચાવી વીએસમાં મોકલી આપી હતી.
આ બનાવ અંગે રિવરફ્રન્ટ પોલીસે વીએસ હોસ્પિટલ પહોંચી ભાનમાં આવતા જ નેહાનું નિવેદન લીધું હતું. જેમાં તેણે પગ લપસી જતા પડી ગઇ હોવાનું જણાવતા પોલીસે જાણવાજોગ નોંધ કરી કેસનો નિકાલ કર્યો છે