અમદાવાદ. ગુજરાત ATSની ટીમ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ગત અઠવાડિયે રાજ્યના પાંચ જિલ્લામાં દરોડા પાડી 54 વધુ હથિયાર જપ્ત કરી 9 આરોપીની ધરપકડ કર્યા બાદ તાજેતરમાં વધુ 50 હથિયારો સાથે 13 આરોપીઓની ધરપકડ કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી અને આ હથિયાર જપ્ત કર્યા છે. અમદાવાદમાં ગેરકાયદેસર ગનની ડિલ કરતા ગાન હાઉસના માલિક તરુણ ગુપ્તાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.
આ પહેલા ATSની ટીમે 54 ગેરકાયદે વિદેશી સાથે 9ને પકડ્યા હતા
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે અમદાવાદ સહિત રાજ્યના પાંચ જિલ્લામાં પથરાયેલા ગેરકાયદે હથિયાર રાખવાના નેટવર્કનો પર્દાફાશ કરી 54 ગેરકાયદે વિદેશી અને ભારતીય બનાવટનાં હથિયાર કારતૂસ સાથે નવ આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા નવ દિવસથી ATSની ટીમો અમદાવાદ સહિત કચ્છ મોરબી ભાવનગર અને અમરેલીમાં વિવિધ સ્થળે દરોડા પાડી રહી હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ 54 જેટલા ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટનાં હથિયારો કબજે લેવામાં આવ્યાં છે. ATSની ટીમે આ મામલે અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસેથી મુસ્તાક ગુલ મોહમ્મદ બલોચ (ઉં. વ. 42, વાંકાનેર)ને લોડેડ રિવૉલ્વર તથા ચાર કારતૂસ સાથે તેમ જ વાહિદખાન અશરફખાન પઠાણ (ઉ.વ. 33, ગામ કોઠ ગાંગડ, બાવળા)ને એક પિસ્તોલ તથા ચાર જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો છે.