અમદાવાદમાં જાહેર રસ્તા પર થૂંકનાર વ્યકિતને ઇ-મેમો મળ્યો છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને તો આવા મેમો મળે છે એટલે તેની નવાઇ રહી નથી. આ મેમો અને દંડ વસૂલ કરવાને લઇને ટ્રાફિક નિયમનમાં એક પ્રકારની સ્વયંશિસ્ત આવી છે પણ એ ડરને કારણે છે. લોકો સ્વભાવગત રીતે સુધરી ગયા છે એવું માની શકાય તેમ નથી. એવું પરિવર્તન આવતાં તો બીજી એક પેઢી પસાર થઇ જશે.
અલબત્ત, ત્યાં સુધી આ પ્રકારે કાયદા અને નિયમોનો અમલ કરાવવાની પ્રવૃત્તિ સાતત્યપૂર્ણ રીતે ચાલુ રહેવી જોઇએ. લોકોમાં કાયદાનો ડર તો રહેવો જ જોઇએ અને એ કામ કાયદાનું પાલન કરાવનાર એજન્સીનું છે. એ પોતે જ પોતાની નજર સામે જ નિયમોનું ઉલ્લંઘન થવા દે અને જે પકડાય તેને કાયદેસર દંડ કરવાને બદલે સગવડિયું સમાધાન કરીને જવા દેવામાં આવે તો લોકોમાં કયારેય કાયદાનો ડર નિર્માણ થાય નહીં. સીસીટીવી કેમેરાની ટેકનોલોજીએ કાયદાનું પાલન કરાવનાર એજન્સીનું કામ ઘણું આસાન કરી દીધું છે અને આ ટેકનોલોજી કાયદા સમક્ષ તમામ નાગરિક સરખા છે, એ વાતને સો ટકા સમજીને તેનું પાલન કરે છે.
થોડો સમય બ્રિટન-અમેરિકા જેવા દેશોમાં જઇ આવેલા લોકો ત્યાંના લોકોની નાગરિક શિસ્ત અને વહીવટી તંત્રના ગુણગાન ગાતા થઇ જાય છે. વિદેશમાં ફરજિયાત નિયમોનું પાલન કરનાર વ્યકિતને ભારતમાં આવીને એ જ નિયમો પાળવાનું ગમતું નથી. મુદ્દે વાત તો કાયદાના ડરની છે. નિયમ કાયદાનું પાલન ન કરનાર સામે કાનૂનનો દંડો પછાડવો જ પડે. આ બાબતમાં આપણે એક વાતનો સ્વીકાર કરવો જોઇએ કે આપણે ખુદ આપણી જાતને ડફણાંને લાયક બનાવીએ છીએ. ડફણાં અને દંડાથી જ સીધા ચાલવાની આદત બદલાતાં સમય લાગશે અને એ સમય દરમિયાન આ સીસીટીવીની ટેકનોલોજી કાયદો-વ્યવસ્થા જળવાય તેની કાળજી રાખનારા જમાદારો કરતાં સારું કામ કરશે.