રવિવારે અમદાવાદના કાંકરિયા તળાવના એમ્યુઝમેન્ટ પાર્કમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. એમાં ત્યાંની ડિસ્કવરી નામની રાઈડ તૂટી પડવાની ઘટનામાં 3 ના મોત થયા છે. જ્યારે ઘણા બધા લોકો ઘાયલ થયા હતા. એમાં 26 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાઈડમાંથી પડેલા લોકોમાંથી 6 લોકોની કરોડરજ્જુ ભાંગી ગઈ છે. અને આ ઘટના વિષે જાણવા મળ્યું છે કે, ત્યાંના કોન્ટ્રાુક્ટર સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ.ના સંચાલકની ગંભીર બેદરકારીનો તેમના જ સેફ્ટી એક્સપર્ટે 6 જુલાઈએ આપેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે.
એ રિપોર્ટમાં રાઇડના નટ બોલ્ટ, મોટર અને સેફ્ટી લોકમાં ખામી હોવાનું કહેવાયું હતું. જણાવી દઈએ કે, મ્યુનિ. દ્વારા 20 વર્ષની ભાજપના પૂર્વ કોર્પોરટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ લીઝ પર અપાયો છે. અને 4 વર્ષથી ડિસ્કવરી રાઈડ એસેમ્બલ કરીને ચલાવાઈ રહી છે. બેદરકારીને લીધે સર્જાયેલી દુર્ઘટનામાં 6 લોકોની કરોડરજ્જુ ભાંગી ગઈ હતી અને 20 લોકોને હાથ-પગમાં ઇજા થઇ હતી, અને ત્રણને માથામાં ઈજા થઈ હતી. જ્યારે ઈજાગ્રસ્તો પૈકી ત્રણની સ્થિતિ અત્યંત ગંભીર છે. તો બીજી તરફ આ દુર્ઘટના બાદ શહેરના તમામ મેળાને બંધ કરાવી દેવામાં આવ્યા છે.
6 જુલાઈએ જ રાઈડમાં ખામી હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો :
જાણકારી માટે જણાવી દઈએ કે, કોઈ પણ એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડનું લાઈસન્સ પોલીસ દ્વારા આપવામાં આવે છે. પરંતુ એના માટે લાઈસન્સ ઈસ્યુ કરતા પહેલા સરકારના આરએન્ડબી વિભાગ દ્વારા મિકેનિકલ ઈન્સ્પેકશન કર્યાનું પ્રમાણપત્ર, અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ બંને પ્રક્રિયા પુરી થયા પછી જ અને પોલીસના લાઈસન્સ વિભાગ દ્વારા લાઈસન્સ આપવામાં આવે છે. લાઈસન્સ શાખાએ ઈશ્યુ કરેલી કોપીમાં 24 રાઈડનું વર્ણન કરાયું છે અને 25 નંબરે ડિસ્કવરી રાઈડ હાથથી લખી દેવાયું છે. આ પણ એક તપાસનો વિષય છે.
તો બીજી તરફ કોન્ટ્રાક્ટરે પોતાના સેફ્ટી એક્સપર્ટ પાસેથી રાઈડના સેફ્ટી પ્રમાણપત્ર લીધા હતા. અને એનો એક રિપોર્ટ 6 જુલાઈએ જ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં રાઈડના નટબોલ્ટ રિપ્લેસ કરવા ઉપરાંત અન્ય ત્રણ બાબતો અંગે પણ તાકીદ કરવામાં આવી હતી. છતાં પણ આ અંગે કોઈપણ સતર્કતા નહીં રાખવામાં આવી નહિ અને એ કારણે રવિવારે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, સંચાલક ઘનશ્યામ પટેલનો દાવો છે કે, વેકેશન પહેલાં જ નટ બોલ્ટ બદલ્યા હતા.
પાંચ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો :
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મહંમદ જાવેદ મોમીનના પિતા રફીકભાઇ ફ્રૂટવાલા કહે છે કે, અમારે ફ્રૂટની દુકાન છે અને અમે સાથે જ કામ કરતા હતા. રવિવારની રજા હોવાથી મારા દીકરાએ મારી પાસે ફરવા જવા માટે પૈસા માંગ્યા હતા. અને રજા હતી એટલે મેં પણ તેમને ના ન પાડી. મને નહોતી ખબર કે તે હવે ક્યારેય પાછો નહીં આવે. મારો દીકરો પાંચ બહેનો વચ્ચે એકનો એક ભાઇ હતો. અમને જ્યારે તેના મૃત્યુના સમાચાર મળ્યા તો અમારી પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ.
રાજપીપળાથી ફરવા આવેલી મનાલી પાછી ન જઈ શકી :
રાજપીપળાથી મનાલી નામની એક છોકરી અઠવાડિયા પહેલા જ પોતાની ફોઈના ઘરે ફરવા આવી હતી. વર્ષાબહેન જે મનાલીના ફોઈ છે એ જણાવે છે કે, મનાલી તેના કઝિન સાથે કાંકરિયા ફરવા ગઈ હતી. મનાલી તેની કઝિન ટ્વીંકલ સાથે રાઇડમાં બેઠી, જ્યારે તેનો કઝિન રાઇડમાં બેઠો ન હતો. થોડા જ સમયમાં રાઇડ તૂટતા નીચે પડતા મનાલીની સ્થિતિ ગંભીર થઇ હતી. મનાલીનું મૃત્યુ થયું છે જ્યારે તેમની કઝિનને ગંભીર ઇજા થઇ છે.
ફલકનાઝ પોતાની પાંચ બહેનપણી સાથે ફરવા આવી હતી :
અકસ્માત સમયે રાઇડમાં બેસેલી ફલકનાઝ અબ્દુલ હાફીઝ જણાવે છે કે, રવિવારની રજા હોવાથી હું અને મારી પાંચ બહેનપણીઓ કાંકરિયામાં ફરવા આવ્યાં હતાં. કાંકરિયામાં ફર્યા બાદ અમે રાઇડમાં બેસવાનું નક્કી કર્યું. રાઇડમાં બેસવા માટેની લાઇન વધારે હોવાથી થોડા સમય પછી અમારો વારો આવ્યો. રાઇડ શરૂ થઇ, થોડો સમય ચાલી ત્યાં અચાનક રાઇડ તૂટી પડી. મને દાઢીમાં, ગળાના ભાગે અને કરોડરજ્જૂના ભાગે વાગ્યું છે.
રાઈડ પછડાતા યુવતીના ચેહરા પર થઇ ઈજા, ત્યાં હાજર લોકોએ બચાવી :
આ દુર્ઘટના સમયે રાઈડમાં ફસાયેલી એક યુવતી ઘણી હતપ્રભ બની હતી. રાઈડને જોનારા લોકો તેને બચાવવા મદદે આવ્યા બાદ તેનો આબાદ બચાવ થયો હતો. પણ તેના માથામાં ઈજા થતાં તે લોહી લુહાણ થઈ હતી.
દુર્ઘટનામાં બચી ગયાનો હાશકારો :
દુર્ઘટના થયા પછી તરત આસપાસના લોકોના ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. ઘણા લોકોએ રાઇડમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. ઇજાગ્રસ્તનો તાત્લાકિલ હોસ્પિટલ પહોંચાડાયા હતા. જ્યારે બચી ગયેલા એક યુવકે બચી ગયાનું સુનિશ્ચિત કરી હાશકરો જતાવ્યો હતો.