રાજ્ય બહારથી રોડ મારફતે શહેરમાં દારૂ દાખલ કરવો હવે સહેલું રહ્યું નથી, પોલીસની નાકાબંધીના કારણે બૂટલેગરો કોઇ પ્રકારનાં જોખમ લેવા માટે તૈયાર નથી. જેથી બૂટલેગરોએ હવે પેટર્ન બદલી રેલવે મારફતે શહેરમાં દારૂનો જથ્થો ઠાલવવાની ગોઠવણી કરી છે. પરંતુ આજે બપોરે આ ગોઠવણનાે પર્દાફાશ થયો હતો અને રેલવે તંત્ર તેમજ કુલીઓની બૂટલેગરો સાથેની સાંઠગાંઠ ઉઘાડી પડી હતી.
કોથળાની તપાસ કરાતા નીકળ્યો દારૂ
શહેરના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-2 પાસે આજે બપોરના સમયે 12-30 વાગ્યાના અરસામાં રાબેતા મુજબ હાવડા-અમદાવાદ ટ્રેન આવી પહોંચી હતી. દારૂની 5 પેટી ત્રણ કોથળામાં વીંટી પ્લેટફોર્મ નંબર 2 પરના પોલીસ કેબિન નજીક રાખવામાં આવી હતી. કોથળામાં વીંટેલી દારૂની પેટીઓ ઉપર કોઇની નજર ન પડે તે રીતે થેલા મૂકવામાં આવ્યા હતા. પરંતુ આ અંગે ઊહાપોહ મચી જતાં આ કોથળા પર નજર પડતાં તેની તપાસ કરવામાં આવી હતી. કોથળાની તપાસ કરતાં પ્રત્યેક કોથળામાં દારૂની પેટીઓ જોવા મળી હતી.
પોલીસે 60 બોટલો કરી કબજે
બૂટલગરોની ગોઠવણીનો પર્દાફાશ થતાં વડોદરા રેલવે તંત્ર દોડતું થયું હતું. જો કે, આ મામલે રેલવે પોલીસને પૂછતાં તેઓ સમગ્ર બાબતથી અજાણ હોવાનું જણાવ્યું હતું. કેટલાક કુલીઓએ દારૂની પેટીઓ ભરેલા કોથળા દિનેશ મિલ પાસે બ્રિજ નજીક લઇ પહોંચાડતા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મોડી સાંજે પોલીસે એક્શન લઇ તપાસ હાથ ધરી દારૂનો જથ્થો મંગાવનાર સાગર ઉર્ફે ભાવુ વિઠ્ઠલભાઈ આયરે(રહે. રણજીતનગર પરશુરામ ભઠ્ઠો, અકોટા)ને પકડી પાડી કોથળામાં વીંટેલી રૂ. 12 હજારની મતાની 60 બોટલો કબજે કરી હતી.