લોકસભાની અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠક માટે ગત તા.૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. તેની મતગણતરી આજે તા.૨૩ મે ને ગુરૂવારના રોજ યોજાનાર છે. મતગણતરીને લગતી તમામ વિગતો, હાર-જીતની રસાકસી, મતોની સરસાઇ, કોણ આગળ નીકળી ગયું કે કોણ પાછળ રહી ગયું તે અંગેની પળેપળની વિગતો મેળવીને શહેરીજનો રોમાંચકતા માણી શકે અને પરિણામ જોઇ શકે તે માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર આવેલા કુલ ૩૨ એલઇડી સ્ક્રીન પર પણ મતગણતરી-રિઝલ્ટને લગતી વિગતો લાઇવ બતાવવામાં આવનાર છે.
અમદાવાદ પૂર્વ બેઠકના ૨૬ અને અમદાવાદ પશ્ચિમ બેઠકના ૧૩ ઉમેદવારોના ભાવિ આજે મતગણતરી દ્વારા નક્કી થશે. કયો ઉમેદવાર જીતશે-હારશે, કેટલા મતોની સરસાઇ રહેશે, કેટલા મત મળશે. તમામ વિગતો મતગણતરી કેન્દ્રો પરથી તો જાણી જ શકાશે. મતગણતરી કેન્દ્રો પર પરિણામને લગતી વિગતો દર્શાવવા માટે મોટા એલઇડી સ્ક્રીન મૂકવામાં આવ્યા છે.
ત્યારે શહેરના અન્ય ભાગોમાં પર રસ્તાઓ પર આવતા-જતા શહેરીજનો પરિણામને લગતી વિગતો જાણી શકે તે માટે જિલ્લા કલેક્ટર અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મ્યુનિ.ના એલઇડી સ્ક્રીનો પર પરિણામની વિગતો લાઇવ દર્શાવવાનું આયોજન કરાયું છે.
આ અંગે જિલ્લા કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડેના જણાવ્યા મુજબ ગુજરાત કોલેજમાં અમદાવાદ પૂર્વ બેઠકની મતગણતરી હાથ ધરાશે. તેમજ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી હાથ ધરાશે. જેમાં મતગણતરી કેન્દ્રોમાં ૪૪૧ કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવશે. આમ બંને મતગણતરી કેન્દ્રોમાં કુલ ૮૮૨ કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવશે. સવારે પાંચ વાગ્યે તમામ કર્મચારીઓ હાજર થઇ જશે. સવારે ૮ કલાકે મતગણતરી હાથ ધરાશે.