અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પની પ્રથમ ભારત મુલાકાતનો વિધિવત રીતે ૨૪મીએ અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બપોરે ૧૨.૩૦ વાગે આગમન સાથે પ્રારંભ થશે. પ્રેસિડેન્ટ સાથે ૭૦ સભ્યોનું ઉચ્ચ સ્તરીય બિઝનેસ ડેલિગેશન પણ આવવાનું છે. અલબત્ત, ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી અડધો કલાક એરપોર્ટ પર પસાર કર્યા બાદ બપોરે ૧ વાગે ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાની થીમ આધારિત રોડ શો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાશે.
ગાંધીઆશ્રમ ખાતે પુજ્ય બાપુને પુષ્પાંજલિ બાદ બન્ને મહાનુભાવો વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ સ્ટેડિયમના ઉદ્ઘાટન માટે બપોરે ૨.૨૦ વાગે મોટેરા પહોંચશે. અહીં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સવા લાખની મેદનીને સંબોધન કરશે. ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી બપોરે ૩.૧૦ વાગે સ્ટેડિયમથી એરપોર્ટ પહોંચશે અને ૩.૩૦ વાગે આગ્રા જવા રવાના થશે. જ્યારે વડાપ્રધાન મોદી પણ આ પછી નવી દિલ્હી પહોંચશે.
૨૪-૨૫ ફેબ્રુઆરીના બે દિવસના પ્રવાસમાં પ્રેસિડેન્ટ લગભગ ૩૬ કલાકનું રોકાણ કરવાના છે તેમાં તેઓ ત્રણ કલાકનો સમય અમદાવાદ-ગુજરાતમાં પસાર કરવાના છે. એમના પ્રવાસમાં આગ્રાના સુપ્રસિદ્ધ તાજ મહેલની મુલાકાતને પણ આવરી લેવામાં આવી હોવાથી બાકીના કાર્યક્રમોના સમયમાં ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે. અલબત્ત, આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય દ્વારા અમેરિકી પ્રેસિડેન્ટના પ્રવાસને લઇ કરાયેલા નિવેદનમાં કેટલીક બાબતોએ ભારે અસમંજસની સ્થિતિ ઊભી કરી છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપણા હેઠળ મળેલી કેબિનેટમાં મુખ્યસચિવ અનિલ મુકીમે ટ્રમ્પ વિઝિટને લઇ કેટલુંક બ્રિફિંગ કર્યું હતું.
કેબિનેટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રેસિડેન્ટના એરપોર્ટ પર આગમનથી લઇ રોડ શો, ગાંધીઆશ્રમ તથા સ્ટેડિયમના ઉદ્ઘાટન, ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની અમેરિકી તથા ભારતીય સુરક્ષા એજન્સીઓના સંકલનથી રાજ્ય વહીવટી તંત્ર તથા સ્થાનિક તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી.
કેબિનેટ બાદ પત્રકારોને માહિતી આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘ગુજરાત માટે આ સૌભાગ્યની બાબત છે કે અમેરિકીના પ્રેસિડેન્ટ તેમનો ભારતનો પ્રવાસ અમદાવાદથી શરૂ કરી રહ્યા છે. ૨૪મીએ એમના સ્વાગત માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ ઉપર ઉપસ્થિત રહેશે. એરપોર્ટ ખાતે પ્રેસિડેન્ટના પરંપરાગત સ્વાગત બાદ ઇન્ડિયા રોડ શોનો આરંભ થશે. બન્ને મહાનુભાવો જનતાનું અભિવાદન ઝીલતાં ઝીલતાં ગાંધીઆશ્રમ પહોંચશે. અહીં બાપુના આશ્રમની મુલાકાત લઇ રિવરફ્રન્ટનો નજારો માણશે. ત્યાંથી સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા પહોંચશે.’