આકાશવાણી અમદાવાદના અધિકારીઓના વિરુદ્વમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરતા ખળભળાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને 2008માં અમદાવાદ આકાશવાણીના સ્ટેશન ડાયરેક્ટર સાધના ભટ્ટ દ્વારા કોર્ટના સમન્સની અવગણના કરવામાં આવતા તેમની વિરુદ્વ બિનજમીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે.
આકાશવાણીના અધિકારીઓ મિહિર મહેતા અને તેમના પત્ની આશ્લેષા મહેતા આ કેસમાં મુખ્ય આરોપી છે. આ બન્ને સરકારી કર્મચારીઓએ હોદ્દા અને સત્તાનો દુરૂપયોગ કરી પોતાની પ્રાઈવેટ અને ડમી એજન્સી માટે બિઝનેસ મેળવી સરકારી સંસ્થા આકાશવાણીના માળખાનો ગેરઉપયોગ કરી સ્પોર્સ ડે પ્રોગ્રામના પ્રાઈવેટ પ્રોડક્શન માટે પ્રોડક્શન ચાર્જ ફ્રી રૂપિયા આકાશવાણીમાં જમા કરાવવાના બદલે પોતાના ડમી બેન્ક અકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા.
મિહિર મહેતા, તેની પત્ની આશ્લેષા મહેતા ઉપરાંત આકાશવાણી અમદાવાદના અન્ય અધિકારી કમલેશ મિશ્રાની પત્ની અપર્ણા મિશ્રા વિરુદ્વ સીબીઆઈએ ગુનો દાખલ કર્યો હતો. આકાશવાણી સાથે ચીટીંગ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યારે આ કેસમાં આકાશવાણીના તત્કાલીન સ્ટેશન ડાયરેક્ટર સાધના ભટ્ટ(હાલ નિવૃત્ત) સામે પણ સીબીઆઈએ કેસ કર્યો હતો. પરંતુ સીબીઆઈએ જાદુ કરીને સાધના ભટ્ટને આરોપીના બદલે ચાર્જશીટમાં સાક્ષી બનાવાયા હતા. બન્ને કેસો સીબીઆઈ કોર્ટમાં અંતિમ ચરણમાં ચાલી રહ્યા છે. સાધના ભટ્ટને બાદ કરીને અન્ય તમામની કોર્ટમાં જૂબાની નોંધી લેવામાં આવી છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન બન્ને કેસમાં વારંવાર સમન્સની બજવણી કરવામાં આવ્યા બાદ પણ સાધના ભટ્ટ હાજર નહીં થતાં સીબીઆઈના સ્પેશિયલ જજ જે.કે.પંડયાએ સાધના ભટ્ટ વિરુદ્વ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સાધના ભટ્ટ 2011માં નિવૃત્ત થયા બાદ નિવૃત્ત જીવન ગાળે છે. તેઓ સિનિયર સિટીઝન હોવાનું જણાવી કોર્ટ કાર્યવાહીથી બચતા આવેલા છે. સીબીઆઈએ તેમને વ્હીલચેર કે સ્ટ્રેચરમાં પણ કોર્ટમાં હાજર રહેવા તૈયાર છે. સીબીઆઈની પ્રેસનોટમાં જણાવાયું છે કે સાધના ભટ્ટ અમેરિકામાં પોતાના સંતાનોને મળવા માટે જઈ શકે છે પરંતુ સીબીઆઈ કોર્ટમાં હાજર રહી શકતા નથી.
અમદાવાદમાં 13-1-2019ના દિવસે યોજાયેલા સંગીત કાર્યક્રમ સપ્તકમાં સાધના ભટ્ટ હાજર રહ્યા હતા. નોટબંધી થવાના એક વર્ષ બાદ સાધના ભટ્ટ પાસેથી 500 અને 1000 ની પાંચ લાખ રૂપિયાની નોટો મળી આવી હતી.