અમદાવાદના કાંકરીયામાં બનેલી કરૂણ ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 27 લોકોને ઈજા થઈ છે. ઘાયલ લોકોને તુરંત એલજી હોસ્પિટલ ખસેડાયા હતા. તો આ ઘટના બાદ તંત્ર પણ સફાળું જાગ્યુ હતું અને ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. પહેલા તો રાઇડ્સ તૂટવાની ઘટનાને જાણે તંત્રએ પણ સામાન્ય લીધી હતી.

આ દુર્ઘટનામાં દાણીલીમડા વિસ્તારમાં રહેતા મોમીન પરિવારની ચાર બહેનોનાં એકના એક ભાઇનો ભોગ લેવાયો છે. રવિવારે બનેલી રાઇડ્સ દુર્ઘટનામાં 22 વર્ષિયી મહમદ ઝૈદ મોમીનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે દાણીલીમડા વિસ્તારમાં ક્લીફટન ટાવરમાં મોમીન પરિવાર રહે છે. આ પરિવારમાં ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઇ 22 વર્ષીય મહમદ ઝૈદ મોમીન રવિવારની રજા હોવાથી કાંકરિયા તળાવમાં ફરવા આવ્યો હતો.

ઝૈદ બાલવાટીકા ગેટ નં-4 પાસે આવેલી ડિસ્કવરી રાઇડ્સમાં બેઠો હતો. જોકે, ઝૈદને ખબર ન હતી કે આ મજાની સવારી તેના મોતની સવારી બની જશે. ઝૈદ સહિત બાકીના 30 લોકો આ રાઇડમાં બેઠા હતા.

રાઇડ જમીન ઉપર પટકાવવાની સાથે જ 22 વર્ષીય ઝૈદનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું. મોમીન પરિવારનો એકનો એક કુળદિપક બુજાઇ જતા પરિવારમાં નિરાશા વ્યાપી છે.

પરિવારના એકનો એક ભાઇ અને દીકરો ગુમાવતા મોમીન પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. અને શોકની લાગણી ફેલાઇ હતી. ઝૈદના મૃતદેહને એલજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો.