ગાંધીનગર અને ગુજરાતના અગ્રણી યુવા સાહસિક આગેવાન પરેશ પટેલ કૃષક ભારતી કો ઓપરેટિવ લિમિટેડ (કૃભકો) ન્યૂ દિલ્હીના ડિરેક્ટર તરીકે બિનહરીફ વિજેતા થઈને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જણાવી દઈએ કે, સૌથી મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના 9 ડિરેક્ટરોની યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતના યુવા સાહસિક આગેવાન પરેશ પટેલ બિનહરિફ ચૂંટાઈ આવતા રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
આ ઉપરાંત કૃભકોના ચેરમેન તરીકે આંતરરાષ્ટ્રીય સહકારી આગેવાન અને સાંસદ ચંદ્રપાલ યાદવ સતત પાંચમી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે. જ્યારે વાઈસ ચેરમેન તરીકે સહકારી આગેવાન સુધાકર ચૌધરી ચૂંટાઈ આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આ સહકારી સંસ્થામાં 10 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી બેઠકમાં ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને પોંડીચેરીનો સમાવેશ થાય છે. આ મહત્વ ધરાવતી બેઠકની ચૂંટણીમાં ગુજરાતના યુવા સહકારી આગેવાન પરેશ પટેલ ડિરેક્ટર તરીકે ત્રીજી વખતે વિજયી બન્યા છે.
જણાવી દઈએ કે, અગાઉ 2010-15 અને 2015-20ના વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં પણ ગાંધીનગર જિલ્લાના સહકારી આગેવાન પરેશ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. આજ રીતે હવે 2020-25ના વર્ષ માટે સતત ત્રીજી વખત ચૂંટાઈ આવીને પરેશ પટેલે વિજયી હેટ્રિક નોંધાવી છે. આ બદલ સહકારી સહિત વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને કાર્યકરોએ પરેશ પટેલને અભિનંદન સાથે વધુ પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી છે.