જીવલેણ કોરોના મહામારીના પગલે જગન્નાથની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સાધુ સમાજમાં પણ નારાજગી જોવા મળી રહી છે, ત્યારે પૂરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ રથયાત્રા રોકવા માટે કાવતરૂં રચવામાં આવ્યું હોવાનો આરોપ મૂક્યો છે.
શંકરાચાર્યનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ગજપતિ મહારાજ દિબ્યસિંહ દેબ અને સેવાદારોએ ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયકને આગ્રહ કર્યો છે કે, તેઓ સુપ્રીમ કોર્ટના 18-જૂનના આદેશમાં સંશોધન માટે અરજી આપવામાં હસ્તક્ષેપ કરે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં 23-જૂને નીકળનારી રથયાત્રા પર રોક લગાવી દીધી હતી. તેઓ ઈચ્છે છે કે, રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ પાસેથી રથયાત્રાની મંજૂરી લે, ભલે તેમા લોકો સામેલ ના થાય.
પુરીમાં રથયાત્રાને મંજૂરીની માંગ કરતાં રાજ્યસભાના સભ્ય રઘુનાથ મહાપાત્રાએ આરોપ લગાવ્યો છે કે, “સુપ્રીમ કોર્ટને ખોટો તર્ક રજૂ કરવામાં આવ્યો છે કે, રથયાત્રામાં 10-12 લાખ લોકો એકઠા થશે.”