અમદાવાદના ટ્રાન્સપોર્ટેશન માટે સીમાચિહ્નરૂપ અને મહત્વકાંક્ષી યોજના અમદાવા મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસો હવે અંતિમ તબક્કામાં છે ત્યારે માર્ચ મહિનાથી મેટ્રોનો રેગ્યુલર રન શરૂ કરવાના ચક્રોગતિમાન થઈ ગયા છે.
વિગતો મુજબ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 અંતર્ગત પ્રથમ ટ્રેન પહેલી જાન્યુઆરીએ અમદાવાદ આવી ગઈ છે અને હાલ તેનું ટ્રાયલ તથા અન્ય પાસાઓની કામગીરી એપેરલ પાર્ક ડેપો ખાતે ચાલી રહી છે.
આ ઉપરાંત બીજી ટ્રેન 17મી જાન્યુઆરી સુધીમાં દક્ષિણ કોરીયાથી રવાના થવાની સંભાવના છે. આ ટ્રેન સાતમી ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદ આવી જશે. બન્ને ટ્રેનો આવ્યા બાદ ચેંકીંગ, ટેસ્ટીંગ વગેરે કામગીરી પૂર્ણ કરી ટ્રેનને દોડાવવા માટે તૈયાર કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના રેલ મંત્રાલયના આરડીએસઓ, લખનૌની ટીમ દ્વારા ટ્રેનોની ચકાસણી અને ટેસ્ટીંગની કામગીરી 18મી ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. ત્યાર બાદ કેન્દ્ર સરકારના ઉડ્ડયન મંત્રાલયના કમિશનર ઓફ સેફ્ટી તરફથી ટ્રેનોની વિગતવાર ચકાસણી કરવામાં આવશે.
ટ્રેનોની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવ્યા બાદ માર્ચ મહિનાનાં પ્રથમ અઠવાડિયાથી એપેરલ પાર્કથી વસ્ત્રાલ સુધી 6.5 કિ.મીના રૂટ પર ટ્રેનને નિયમીત રીતે દોડાવવામાં આવનાર હોવાનું અમદાવાદ મેટ્રો તરફથી જણાવવામાં આવ્યું છે.