અમદાવાદમાં આજે રીક્ષા ચાલકોનાં સાત અલગ અલગ એસોશિએશન દ્વારા રીક્ષાની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. શહેરમાં રિક્ષા ચાલકોની હડતાળનો ફિયાસ્કો થયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં રીક્ષા વ્યવહાર ચાલુ છે. મહત્વનું છે કે અપૂરતા રીક્ષા સ્ટેન્ડ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિ બાબતે વિરોધ દર્શાવવા એક દિવસની હડતાળ જાહેર કરવામાં આવી હતી.
શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક વિભાગ સક્રીય બન્યું છે, ત્યારે તેનો સૌથી વધુ ભોગ રીક્ષા ચાલકો બન્યા છે. શહેરમાં માત્ર 2100 રીક્ષા માટે જ સ્ટેન્ડ આવેલા છે. જેની સામે શહેરમાં 2 લાખથી વધારે રીક્ષાઓ છે. રીક્ષા સ્ટેન્ડ વધારવાની માંગણી તથા નવી રીક્ષાઓને પરમીટ બંધ કરવાની માંગણીને લઇને આજે રીક્ષા ચાલકો દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી હતી.
આજે સવારથી જ રીક્ષા ચાલકો પોતાનાં રાબેતા મુજબનાં કામમાં લાગી ગયા હતાં. ક્યાંય રીક્ષાની હડતાલ દેખાઇ રહી નથી. ત્યારે આ અંગે અમારી ટીમે રીક્ષા ચાલકો સાથે વાત કરી અને તેમનો અભિપ્રાય જાણ્યો હતો. એક રીક્ષા ચાલકને પૂછવામાં આવ્યું કે તમે બંધ નથી પાડ્યો તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘અમે શું કરીએ? અમારે પણ રોજી રોટી જોઇએને. ઘર ચલાવવાનું છે તો બંધ કઇ રીતે પાળીએ. જો અન્ય લોકો આ બંધમાં જોડાશે તો અમે પણ જોડાઇશું. ‘