સાબરમતી નદી સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. AMC, કલેક્ટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના માટે AMCએ રૂપિયા 3 કરોડના ખર્ચે નવું મશીન ખરીદ્યુ છે. આ સફાઈ અભિયાન માટે AMC દ્વારા રુપિયા 500 કરોડની ફાળવણી કરવામાં આવનાર છે. ત્યારે 500 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવશે. જેની મદદથી ગટર અને ઉદ્યોગના પાણીને ટ્રીટ કરીને નદીમાં છોડવામાં આવશે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જન ભાગીદારીથી નદીની સફાઇ માટે AMC દ્વારા આહ્વાન કરવામાં આવશે.
જો કે, એએમસી અને સ્થાનિક સંસ્થા દ્વારા હાલ નદીના શુદ્ધિકરણ માટે કામગીરી હાથ ધરી છે. ઇન્દિરાબ્રિજથી માંડીને સુભાષબ્રિજ સુધીના 5 કિ.મીના વિસ્તારની સફાઇ હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી ચાલતા સફાઇ કામગિરીમાં અત્યાર સુધીમાં 250 ટન કચરો બહાર કાઢવામાં આવ્યો છે. પ્રતિ દિવસ 100 કિલો કચરો બહાર કાઢવામાં આવે છે. અઠવાડિયામાં 6 દિવસ નદીની સફાઇ કામગિરી કરવામાં આવી રહી છે.
કેન્દ્રિય પ્રદુષણ નિયત્રણ વિભાગના અહેવાલમાં ગુજરાતમાં સૌથી વધુ પ્રદૂષિત નદી તરીકે સાબરમતી નદીને ગણાવી છે. સાબરમતી નદીમાં જે રીતે પ્રદુષણ વધી રહ્યું છે. તેને લઇને જિલ્લા કલેક્ટર દ્વારા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને પ્રદુષણ અટકાવવા માટે આદેશ કર્યો હતો.