અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નિના આગમનને લઈ શહેરમા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ તેમના પર આતંકવાદી હુમલાનો ભય હોવાને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આતંકવાદીઓ વાહનોનો ઉપયોગ કરતા હોય છે જેથી રેસ્ટોરન્ટ, હોટલ, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, થિયેટર, મોલ મલ્ટીપ્લેક્ષ અને પેટ્રોલપંપ પર HD સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે. જયારે આ ઉપરાંત પાવર એરક્રાફ્ટ, ડ્રોન, માઈક્રો એરક્રાફ્ટ ઉડાડવા પર મનાઈ ફરમાવી છે. ભાડે મકાન રાખનાર અને આપનાર લોકોએ પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે નામ, સરનામા, પુરાવા સાથેની જાણ કરવાની રહેશે.
મોદી-ટ્રમ્પના રોડ શોમાં લાખો લોકો સાથે 20 હજારથી પણ વધારે પોલીસ અધિકારીઓ જોવા મળશે. જેથી તે તમામ પોલીસ અધિકારીઓને આજ રોજ અમદાવાદ ખાતે બોલાવી બંદોબસ્ત પણ આપી દેવામાં આવ્યો છે.મોટેરા સ્ટેડિયમમા બંદોબસ્ત માટે આવેલી મહિલા પોલીસકર્મીઓને આશારામ આશ્રમ પાસે આવેલી મુકબધીર શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.