ભારત અને પાકિસ્તાન સરહદે તણાવપૂર્ણ માહોલ વચ્ચે ભાજપે લોકસભાની ચૂંટણી જીતવા કમર કસી છે.૪-૫મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે.નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ અમદાવાદ આવી રહ્યાં છે. રવિવારે બપોરે અઢી વાગે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે.
અમિત શાહ રવિવારે અમદાવાદમાં સામાજીક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત તેઓ સુરત અને તાપીમાં ય કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાતની બે દિવસીય મુલાકાત વેળાએ અમિત શાહ પ્રદેશના નેતાઓ સાથે બેઠક યોજી લોકસભાની ચૂંટણીની કામગીરીની સમિક્ષા કરશે.
અત્યારે ગુજરાતમાં ભાજપે મેરા બુથ સબ સે મજબૂત,વિજય સંકલ્પ રેલી ઉપરાંત ભારત કે મન કી બાત કાર્યક્રમ યોજી મતદારો સાથે લોકસંપર્ક કર્યો છે. રવિવારે અમિત શાહ ચાર્ટર પ્લેનમાં અમદાવાદ આવી પહોચશે ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશ ભાજપના નેતાઓ,ધારાસભ્યો રાષ્ટ્રીય અધ્યક્ષને આવકારશે.