2015માં શરુ થયેલા પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવાનારા વરુણ પટેલ ભાજપમાં જોડાયા બાદ ક્યાંક ખોવાઈ ગયા છે. ભાજપમાં જોડાયા બાદ હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાનું હાલમાં પ્રતિપાદિત થઈ રહ્યું છે. વરુણ પટેલની ભાજપમાં સ્થિતિ કફોડી બની હોવાનું તેમના નજીકના સૂત્રો જણાવી રહ્યા છે.
પાટીદાર અનામત આંદોલનમાં મીડિયાનાં દરેક સવાલના જવાબ તથા મોદી અને ભાજપ સરકાર ઉપરાંત ટીવી ડિબેટમાં આવતા ભાજપનાં પ્રવક્તાઓને મુદ્દાસર અને તર્કબદ્વ દલીલો સાથે જવાબ આપવમાં વરુણ પટેલ કોઈ કસર બાકી રાખી ન હતી. તેમની વાકછટાના કારણે પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેઓ આંદોલનના પ્રવક્તા બની ગયા હતા.
બાદમાં હાર્દિક પટેલ સાથે વધુ ફાવટ નહીં આવતા વરુણ પટેલ અને રેશ્મા પટેલે ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો હતો. રેશ્મા પટેલ ટૂંકાગાળામાં જ ભાજપને રામ-રામ કરી દીધા હતા અને હાલ એનસીપીમાં છે. જ્યારે વરુણ પટેલ ભાજપની સાથે વફાદારી નિભાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટીદાર અનામત આંદોલનના આ ચહેરાને ભાજપ ટીકીટ આપશે કે કેમ તે એક પ્રશ્ન છે. વરુણ પટેલને ભાજપ આગામી ચૂંટણીમાં મેદાનમાં ઉતારશે કે કેમ તેની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.